કારગીલના યુદ્ધમાં દુશ્મનોનો ખાતમો કરી અને પરમવીર ચક્રથી જેમને સન્માનીત કરવામાં આવ્યા છે તે યોગેન્દ્રકુમાર યાદવ આજે પોરબંદરની મુલાકાતે આવ્યા હતા. તેમણે ગાંધી જન્મસ્થળ અને કીર્તિમંદિર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સમક્ષ શીશ ઝુકાવ્યું હતું. આ પ્રસંગે તેમણે એવું જણાવ્યું હતું કે આજે ગાંધી જન્મસ્થળે આવી અને નવી ઉર્જાનો સંચાર થયો છે. યોગેન્દ્રકુમાર યાદવે વિઝીટબુકમાં પોતાના પ્રતિભાવો પણ વ્યક્ત કર્યા હતા. કારગીલના યુદ્ધમાં પાકિસ્તાનને ભારતે પરાસ્ત કર્યું હતું. આ યુદ્ધમાં અનેક જવાનો શહિદ થયા હતા તો અનેક વીરજવાનોએ દુશ્મનોના છક્કા છોડાવી દીધા હતા. જેમાં આર્મીના જાબાઝ જવાન યોગેન્દ્રકુમાર યાદવે દુશ્મનો સામે લડતા જેમણે ૧પ ગોળી પોતાની છાતી ઉપર ઝીલી હતી તેમ છતાં ભારતમાતાના આશીર્વાદથી તેઓનો જીવ બચી ગયો હતો. આ યુદ્ધમાં શૌર્ય દાખવનાર યોગેન્દ્ર યાદવને પરમવીર ચક્રથી સન્માનીત કરવામાં આવ્યા હતા.
ભારતના વીર સપૂત આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર ખાતે આવ્યા હતા. તેમણે ગાંધી જન્મસ્થળ અને કીર્તિમંદિર ખાતે મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કરી હતી અને શીશ ઝુકાવ્યું હતું. આ પ્રસંગે યોગેન્દ્રકુમાર યાદવે પત્રકારો સાથેની વાતચીતમાં એવું જણાવ્યું હતું કે અત્યાર સુધી પુસ્તકોમાં જ ગાંધીજી વિશે જાણ્યું હતું પરંતુ આજે તેમની જન્મસ્થળે આવવાની અમૂલ્ય તક મળી છે ત્યારે અહીંયા આવીને નવી ઉર્જાનો સંચાર થયો હોય તેવી અનુભુતી થઇ રહી છે. દેશને આઝાદી અપાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આજે પણ લોકોના વિચારમાં જીવંત છે. યોગેન્દ્રકુમાર યાદવે ગાંધી મ્યુઝિયમ અને પુસ્તકાલયની મુલકાત લીધી હતી. ત્યારબાદ કીર્તિમંદિરની વિઝીટબુકમાં પણ ગાંધીજી વિશેના પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા. ઉપલેટા ખાતે કારગીલ શહિદ જવાનની મૂર્તિ પ્રતિષ્ઠાના પ્રસંગે આવ્યા હતા આથી તેઓ ખાસ ગાંધીજીના દર્શન કરવા માટે ઉપલેટાથી પોરબંદર આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.