દેશના જાણીતા યાત્રાધામો પૈકીના એક એવા અને 51 શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ પાવાગઢ યાત્રાધામની કાયાપલટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પાવાગઢ યાત્રાધામ ખાતે બિરાજમાન મહાકાળી માતાના દર્શન માટે આવતા યાત્રિકોને અસુવિધા ના પડે તે માટે ખાસ રીનોવેશનની કામગીરી કરવામાં આવી રહી છે. વડોદરાથી માત્ર 55 કિલોમીટર દૂર આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની જુદા જુદા ચાર ફેઝમાં 250 કરોડ રૂપિયાના ખર્ચે કાયાપલટ કરવામાં આવનાર છે.
(File Pic)
શહેર નજીક આવેલ માતાજીના શક્તિપીઠ પૈકીનું એક એટલે પાવાગઢ. આ પાવાગઢની ટોચે કાળકા માતાનું જગ વિખ્યાત મંદિર આવેલું છે. આ પવિત્ર યાત્રાધામમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શન કરવા આવતાં હોય છે. દર્શનાર્થે આવતા ભક્તોને કોઈ પણ મોસમમાં કોઈ જાતની તકલીફ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા રિનોવેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. પાવાગઢમાં મંદિર સુધી વિવિધ સ્વરૂપે નવીનીકરણની કામગીરી કરાઇ રહી છે. જેમાં પગપાળા રસ્તાઓ પર ચાલીને માતાજીના દર્શન માટે જતા ભક્તોન તાપ, વરસાદ જેવી કોઈ પણ ઋતુમાં તકલીફ ન પડે તે માટે શેડ તૈયાર કરવામાં આવશે.
(File Pic)
આ શેડ સીસીટીવી કેમેરા અને લાઈટિંગથી સજ્જ હશે. તેમજ દૂધિયા તળાવ પાસે સુંદર બગીચાનું પણ નિર્માણ કરવામાં આવશે. તેમજ ભકતો માટે થિયેટર પણ બનાવવામાં આવશે, જેમાં બેસી ભક્તો માતાજીની ફિલ્મ નિહાળી શકશે. ખાસ કરીને નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો આવતાં હોવાના કારણે મંદિરનાં મુખ્ય પગથિયાં પર ભારે ભીડ થતી હોય છે. આ ભીડ ન થાય તે માટે ખાસ નવાં પગથિયાઓનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. અહીં આવતા ભક્તોને આગામી વર્ષમાં પાવાગઢ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ મળી રહેશે.