કોવિડ-19 મહામારીને ફેલાતી રોકવા માટે લગાવવામાં આવેલા લોકડાઉનની ભારત તથા એશિયાનાં અન્ય દેશોનાં અર્થતંત્ર પર વિપરીત અસર થઇ હોવાની આશંકા વર્લ્ડ બેંકે વ્યક્ત કરી છે. આ સાથે જ વર્લ્ડ બેંકે જણાવ્યું છે કે, ભારતીય અર્થવ્યવસ્થામાં નાણાંકીય વર્ષ 2020-21માં 9.6 ટકા જેટલો ઘટાડો થઈ શકે છે. કોરોનાએ કંપનીઓને પણ જોરદાર આર્થિંક ઝટકો આપ્યો છે.
વિશ્વ બેન્કે પોતાના અર્ધવાર્ષિક અપડેટમાં કહ્યું કે, દક્ષિણ એશિયાની અર્થવ્યવસ્થાઓ પર કોવિડ-19ની વિનાશકારી અસરને કારણે ક્ષેત્ર અત્યાર સુધીની સૌથી ખરાબ મંદીનો માર સહન કરી શકે છે. વર્લ્ડ બેંકના કહેવા પ્રમાણે કોરોના વાયરસને કારણે ભારતીય અર્થવ્યવસ્થાની હાલત 1991 સુધી ચાલેલા બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઈસીસ કરતા પણ વધુ ગંભીર છે.
વર્લ્ડ બેંકના જણાવ્યા મુજબ, દક્ષિણ એશિયાની અર્થવ્યવસ્થામાં 7.7% ઘટાડો થવાની ધારણા છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો હશે. જ્યારે ભારતીય અર્થવ્યવસ્થા તેની સૌથી ખરાબ સ્થિતિમાં છે. આ બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઈસીસ કરતા પણ ખરાબ છે. વર્લ્ડ બેંકના ચીફ ઇકોનોમિસ્ટ હેંસ ટિમરે કહ્યું કે, ભારતમાં પ્રારંભિક લોકડાઉન ખૂબ જ સખ્ત હતું જે આ ઘટાડાનું એક મુખ્ય કારણ છે. પ્રથમ ત્રિમાસિક ગાળાના અંતે, ભારતીય અર્થવ્યવસ્થામાં 25% નો ઘટાડો જોવા મળ્યો હતો. નિષ્ણાંતોએ અર્થવ્યવસ્થામાં આ અનુમાનિત ઘટાડાને જોખમી ગણાવ્યા છે. ભારતમાં કોરોના વાયરસના વધતા જતા કેસો પણ આ પાછળનું એક મહત્વનું કારણ છે.