પંચમહાલ જિલ્લાના હાલોલ જીઆઇડીસીમાં આવેલી મારુતિ કોટસુ સિલિન્ડર દ્વારા કંપનીમાં વર્ષોથી કામ કરતા કામદારો સાથે અન્યાય કરવામાં આવતાં કંપનીના વર્ષો જૂના 80 જેટલા કામદારો પોતાની પડતર માંગણીઓ જેમાં પોતાના પી.એફ. નાણાં જમા કરાવવા તેમજ બાકી નીકળતા પગાર તેમજ બંધ થયેલ કંપની પુનઃ શરૂ થતાં વર્ષો જુના કામદારોને કંપનીમાં પરત લેવાના મુદ્દે કંપની સામે આંદોલનનું રણશિંગુ ફૂંકી કંપની સામે વિરોધ પ્રદર્શન કરી મારુતિ કો સિલિન્ડર લિમિટેડ કંપની સામે ધરણા પર બેસી ગયા છે.
જેમાં કંપનીના કામદારો સાથે કંપનીના મેનેજમેન્ટે અન્યાય કરી વર્ષો પહેલા તારીખ 23/03/2017 માં કંપનીના મેનેજમેન્ટે કંપનીમાં કામ કરતા કામદારોને કોઈપણ જાતની આગોતરી જાણ કર્યા વિના કે ક્લોઝર નોટિસ આપ્યા વીના કંપનીને લોક આઉટ કંપની બંધ કરી દીધી હતી જેમાં કંપનીમાં તે સમયે ૧૩૦ જેટલા વર્ષો જુના કામદારોને છુટા કરી તેઓના બાકી નીકળતો પગાર નો હિસાબ પણ કર્યો નહોતો અને પી.એફ.ની રકમ પણ તેમના ખાતામાં જમા કરાવેલ ન હતી.
જેને લઈ મારુતિ કોટસુ સિલિન્ડર કંપની બંધ થતાં કામદારોએ પોતાનો નીકળતો બાકીનો હિસાબ અને પી.એફ.ની રકમ ખાતામાં જમા કરાવવા માગણી કરી હતી પરંતુ કંપનીના મેનેજમેન્ટ દ્વારા તેઓની વાતને ટલ્લે ચઢાવી દઇ કંપની બંધ કર્યાના બે વર્ષ બાદ કંપનીને ફરી શરૂ કરવામાં આવી હતી અન્ય કામદારોને નોકરી પર રાખી છૂટા કરાયેલા નિરાધાર બનેલા નોકરી વિના આર્થિક રીતે બેહાલ થયેલા વર્ષો જૂના કામદારોને પરત ન લેવાયા હતા જેને લઇને કંપનીના જુના કામદારોએ પોતે કંપની સાથે વર્ષો સુધી વફાદારી અને મહેનત કરી કામ કર્યું હોવાને લઈને પોતાને પુનઃ નોકરી પર લેવાની રજૂઆત કરી હતી.
પરંતુ વારંવારની રજૂઆતો કરવા છતાં પણ કંપનીમાં નવા નિમાયેલા મેનેજમેન્ટે અમોને કઈં ખબર નથી તેમ કહી ઉડાઉ જવાબો આપી એક પણ કામદારને પરત નોકરી પર ન લઇને તેમજ વર્ષ 2013 થી તેઓના પી.એફ.ના નાણાં જમા ન કરાવી તેમજ બાકીનો હિસાબ પણ આજ દિન સુધી ન આપતા આખરે હારી થાકી કંપનીના 80 જેટલા કામદારોએ પોતાને થઇ રહેલા અન્યાયને પગલે પોતાના હકની લડત માટે કંપની સામે આંદોલનનું રણશિંગુ ફૂંકી લડતના મંડાણ કર્યા હતા જેમાં કંપનીના 80 જેટલા કામદારો કંપનીના ગેટ સામે ધરણા પર બેસી ગયા હતા ને પોતાને થયેલા અન્યાયને પગલે પોતાના હકની માગણી પૂરી કરવા માટેની માંગ કરી હતી અને જો આગામી દિવસોમાં તેઓને કોઈ ન્યાય નહીં મળે અને તેઓનો હક પરત ન આપી તેઓને નોકરી પર પરત નહીં લેવાય તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી તેમજ આ બાબતે સમગ્ર મામલાને લઇને સરકારને પણ રજૂઆત કરી યોગ્ય નિરાકરણ લાવવા માટે મધ્યસ્થી બનવા માટે કંપનીના વર્ષો જૂના 80 જેટલા કામદારોએ અપીલ કરી છે.