રાજ્યની પોલીસ પ્રજાની રક્ષા માટે હોય છે પરંતુ ક્યારેક વર્દીનો પાવર બતાવવામાં પોલીસ એવી હરકત કરી બેસે છે કે તેઓ પોતે કાયદો હાથમાં લઈ બેસે છે. આવી છાશવારે ઘટનાઓ બનતી હોય છે જેમાં પોલીસ પોતાની ફરજ નિભાવવા જતા લોકો પર લાઠીચાર્જ કરે છે.
ત્યારે અમરેલી જિલ્લાના બાબરામાં એક મહિલા પીએસઆઈએ પાથરણા પાથરી પોતાનુ ગુજરાન ચલાવતી મહિલા વેપારી પર દંડાવાળી કરતા ખળભળાટ મચ્યો છે. મળતી માહિતી મુજબ, એક બાજુ રાજ્યની રુપાણી સરકાર મહિલાઓની સુરક્ષાને લઈને અવનવી અને તેમની સલામતીની સુફિયાણી વાતો કરી રહી છે. ત્યારે એક મહિલા પી.એસ.આઇ. દ્વારા ગરીબ વર્ગની મહિલા પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. અમરેલીના બાબરામાં બુધવારી બજારમાં પાથરણા પાથરી પોતાનું ગુજરાન ચલાવતી એક મહિલા ધંધાર્થીને મહિલા પીએસઆઈ દીપીકા ચૌધરી દ્વારા માર મારવામાં આવ્યો હતો. જેનો વીડિયો સામે આવતા ખળભળાટ મચ્યો છે. પોલીસના યુનિફોર્મમાં ન હોવા છતાં મહિલા પીએસઆઈ દ્વારા મહિલા વેપારીને માર મારવામાં આવતા પાથરણા પાથરીને વેપાર કરતા ધંધાદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બનાવને લઈ હોબાળો થતા અમરેલી એસપી દ્વારા મહિલા પીએસઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.