ગુજરાતમાં નગરપાલિકા સંચાલિત અનેક મકાનો જર્જરિત હાલતમાં છે. નગરપાલિકા દ્વારા સમારકામનું કામ કરવાની વાતને લઈને જર્જરિત મકાનમાં રહેતા રહીશોને નોટિસો પાઠવવામા આવે છે. નોટિસ પાઠવી દેવાથી નગરપાલિકાનું કામ પૂરું થઈ જતું નથી. મકાન જ્યારે જર્જરિત હાલતમાં છે, ગમે ત્યારે ધસી પડે એવી શક્યતા છે ત્યારે મકાન ખાલી કરાવવાની જગ્યાએ નોટિસ આપી દેવાથી ઘટનાને ટાળી શકાતી નથી. એવામાં નવસારીમાં (Navsari) જર્જરિત બાલ્કની તૂટી પડતાં એક મહિલાએ જીવ ગુમાવ્યાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારી શહેરમાં કમલા રોડ પર આવેલા લોંખંડવાલા કોમ્પ્લેક્ષની પહેલા માળની બાલ્કની જર્જરિત હાલતમાં હોવાથી અચાનક તૂટી પડી છે. બાલ્કની તૂટી પડવાના સમયે કોમ્પ્લેક્ષના પહેલા માળે રાઈસાબાનું નામના મહિલા હાજર હતા. જર્જરિત બાલ્કની તૂટી પડતાં રાઈસાબાનું નીચે પટકાયા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તાત્કાલિક રાઈસાબાનુને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પણ સારવાર દરમિયાન રાઈસાબાનુનું મૃત્યુ પામ્યા હતા.
નવસારી નગરપાલિકા (Navsari Nagarpalika) દ્વારા અગાઉ લોંખંડવાલા કોમ્પ્લેક્ષની ઈમારતના સમારકામ માટે નોટિસ આપવામાં આવી હતી. કોમ્પ્લેક્ષની ચારેય ઈમારતનું સમારકામ કરવા અંગે ઘણા સમયથી માત્ર નોટિસ પાઠવવામા આવી હતી પણ તે અંગેની કોઈ જ કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી નહોતી. આ અગાઉ જર્જરિત હાલતમાં રહેલી બે ઈમારતોને તોડી પાડવામાં આવી હતી. ઘટનાને પગલે નગરપાલિકા દ્વારા બિલ્ડીંગ ખાલી કરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ઘણા સવાલ ઊભા થાય છે કે, જર્જરિત હાલતમાં રહેલી ઇમારત મુદ્દે રહીશોને માત્ર નોટિસ પાઠવવાથી શું થશે?