પોલીસે સોનાની દાણચોરીના આરોપસર શારજાહથી સુરત આવેલી 45 વર્ષીય મહિલાની એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. મહિલા તેના પેટમાં પેસ્ટના રૂપમાં છૂપાવીને લગભગ 41 લાખ રૂપિયાનું સોનું લાવી હતી. જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે પોલીસે બુધવારે તેની ધરપકડ કરી અને સોનું રિકવર કર્યું.
ડીઆરઆઈના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપી મહિલા પારડી (વલસાડ)ની રહેવાસી છે અને તેના પાસપોર્ટ દર્શાવે છે કે તેણે છેલ્લા ચાર મહિનામાં શારજાહની ચાર ટ્રીપ કરી છે. અધિકારીઓને શંકા છે કે તેણે તેના શરીરમાં પેસ્ટના રૂપમાં સોનું છુપાવ્યું હશે. જો કે, જ્યારે અધિકારીઓએ તેને એક્સ-રે કરાવવાનું કહ્યું ત્યારે તેણે સહકાર આપવાનો ઇનકાર કર્યો હતો.
આ પછી અધિકારીઓ તેને સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશના બંગલે લઈ ગયા અને તપાસની પરવાનગી મળ્યા બાદ તેને એક્સ-રે માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. તપાસમાં જાણવા મળ્યું કે તેણે પોતાના શરીરની અંદર સોનાની પેસ્ટ છુપાવી હતી અને તે સતત પેટમાં દુખાવાની ફરિયાદ પણ કરતી હતી. તબીબી પ્રક્રિયા પછી, અધિકારીઓએ તેના પેટમાંથી 40.07 લાખ રૂપિયાની કિંમતની 550 ગ્રામ સોનાની પેસ્ટ મેળવી. આ મામલે વધુ તપાસ ચાલુ છે.