અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને માત આપનાર જો બાઇડેનની જીત બાદ અમેરિકામાં વસતા ઈમીગ્રન્ટ્સ નાગરિકો માટે નવી આશા જાગી છે. માનવામાં આવી રહ્યું છે કે એક કરોડથી વધુ ઇમીગ્રન્ટસને અમેરિકન નાગરિકતા આપવાની દીશામાં બાઈડન ઝડપથી કામ કરી શકે છે. બાઇડેન જે 1.1 કરોડ ઇમીગ્રન્ટસ લોકોને નાગરિકતા આપવાની દિશામાં રોડમેપ બનાવા માટે કામ કરશે તેમાં પાંચ લાખ ભારતીય સામેલ છે.
આ 5 લાખ ભારતીયોમાં મોટી સંખ્યામાં ગુજરાતી લોકો સામેલ છે. બાઇડેનના ચૂંટણી પ્રચાર દરમ્યાન રજૂ કરાયેલા દસ્તાવેજના મતે તેઓ તરત જ પોતાની સિસ્ટમને અધુનિક બનાવનાર કાયદાકીય ઇમીગ્રેશન રિફોર્મને પાસ કરવા માટે કોંગ્રેસની સાથે કામ કરવાનું શરૂ કરી દેશે. તેમાં 1.1 કરોડ અનિશ્ચિત ઇમીગ્રન્ટસ માટે નાગરિકતાનો રોડમેપ તૈયાર કરવાનું સામેલ છે.
ઉલ્લેખનીય છે કે જો બાઇડન ચૂંટણી પ્રચારમાં વારંવાર કહી ચૂક્યા હતા કે, ઇમિગ્રન્ટ્સને કારણે સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક વૈવિધ્યતા આવે છે. સાથો સાથ બાઈડન વીઝા, ઇમિગ્રેશનને લઈને મોટા સુધારાઓ લાગુ કરવાનું વચન આપી ચૂક્યા છે. એવા ઘણા ગુજરાતી પરિવારો છે જેમના માથે અમેરિકામાંથી હકાલપટ્ટીનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે બાઇડન એવી જાહેરાત કરી ચૂક્યા છે કે પરિવારો અતૂટ રહે એનો પ્રયાસ કરવામાં આવશે. નિષ્ણાતોના મતે બાઇડેનની જીતની સાથે જ 5 લાખ ભારતીયો માટે સિટિઝનશિપનો માર્ગ મોકળો બનશે.