ચાલુ વર્ષના શાંતિ માટેના નોબલ પારિતોષક માટે જે નામ મોકલવામાં આવ્યા છે તેમાં અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ પણ સામેલ છે. મળતી માહિતી મુજબ, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ નોબેલના શાંતિ પુરસ્કાર માટે મોકલવામાં આવ્યું છે. નોર્વેના સાંસદે ઈઝરાયલ અને સંયુક્ત અરબ અમીરાત વચ્ચે સમાધાન લાવી ઐતિહાસિક શાંતિ કરાર કરાવવા બદલ ટ્રમ્પનું શાંતિ નોબલ પુરસ્કાર માટે નામ સામેલ કર્યુ છે.
ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થા બાદ જ ઈઝરાયલ અને યુએઈએ શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા અને 72 વર્ષ બાદ બન્ને દેશો વચ્ચેનો તણાવ પુરો થયો હતો. હવે 15 સપ્ટેમ્બરે વ્હાઈટ હાઉસમાં જ આનો સત્તાવાર સમારોહ પણ આયોજિત કરવામાં આવશે.
ઈઝરાયલ અને સંયુક્ત અરબ અમીરાતે 13 ઓગસ્ટે જાહેરાત કરી હતી કે અમેરિકાની મધ્યસ્થાથી થયેલ કરાર અંતર્ગત પૂર્ણ કૂટનીતિક સંબંધોને સ્થાપિત કરી રહ્યા છીએ. મહત્વનું છે કે ગત મહિને જ ઈઝરાયેલી વડાપ્રધાન, અબુધાબીના ક્રાઉન પ્રિન્સ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત થયા બાદ આ કરારને મંજૂરી આપવામાં આવી છે.
જાણો નોબેલ પુરસ્કારની શરુઆત ક્યારે થઈ
સ્વીડનના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક અને ડાયનેમાઇટના સંશોધક ડો.આલ્ફ્રેડ નોબેલ દ્વારા 27 નવેમ્બર, 1895ના રોજ કરવામાં આવેલ વસિયતના આધારે આ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી. તેમણે પોતાની સંપૂર્ણ સંપત્તિમાંથી મળનારા વ્યાજનો ઉપયોગ કરીને રસાયણ શાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર, ચિકિત્સા શાસ્ત્ર, સાહિત્ય અને વિશ્વ શાંતિ માટે વિશેષ કામ કરનાર વ્યક્તિને આ પુરસ્કાર આપવા જણાવ્યું હતું. તેમણે આ ધનનો ઉપયોગ કરવા માટે એક ટ્રસ્ટની પણ સ્થાપના કરી હતી. 10 ડિસેમ્બર, 1896ના રોજ આલ્ફ્રેડ નોબેલનું અવસાન થયું હતું. ત્યાર પછી તેમની વસિયતના આધારે દર વર્ષે નોબેલનો પુરસ્કાર અપાય છે.