ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શરૂ થવાની શકયતા વચ્ચે કેસોમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ, સુરત જેવા શહેરોમાં સ્થિતિ હાલ વધુ ખરાબ જોવા મળી રહી છે. ત્યારે આ સ્થિતિમાં સરકારને સ્કૂલો-કોલેજો 23મીથી શરૂ કરવાના નિર્ણય મુદ્દે યુ ટર્ન લેવાની ફરજ પડી છે. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિર્ણય અંગે વાત કરતા જણાવ્યું કે, વર્તમાન પરિસ્થિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવો પડ્યો છે.
કોરોનાના વધતા સંક્રમણના કારણે રાજ્ય સરકારે 23 નવેમ્બરથી શાળા શરૂ કરવાનો નિર્ણય મુલતવી રાખ્યો છે. શાળા શરુ કરવાને લઈને ગઈકાલે જ શિક્ષણમંત્રીની અધ્યક્ષતામાં તમામ DEO સાથે બેઠક યોજાઈ હતી. જેમાં સરકારે જાહેર કરેલી ગાઈડ લાઈનને અનુસરવાની કડક સૂચના અપાઈ હતી.
મહત્વનું છે કે, સરકારના જણાવ્યા મુજબ કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે હાલ પૂરતો આ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. આવી વિકટ પરિસ્થિતિમાં અમદાવાદ મેડિકલ એસોસિયેશનના તબીબી નિષ્ણાતોએ 23 નવેમ્બરના બદલે ડિસેમ્બરના પ્રારંભમાં શાળાઓ શરૂ કરવા હજુ ગઈકાલે જ સરકારને સલાહ આપી હતી.