કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી આ વર્ષે મે મહિનામાં કરાવશે. શુક્રવારના રોજ કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીઓ બાદ કોંગ્રેસ પાર્ટી સંગઠનની ચૂંટણી કરશે, જેમાં અધ્યક્ષ પદની ચૂંટણી સૌથી અગત્યની છે. જોકે ત્યાં સુધી સોનિયા ગાંધીના હાથમાં જ કમાન રહેશે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાઇ હતી. જે દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી.
જો કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં સોનિયા ગાંધીએ પોતાના સંબોધનમાં મોદી સરકાર નિશાન તાક્યું છે. સોનિયા ગાંધીએ કહ્યું કે મોદી સરકારે સંવેદનહીનતા અને અહંકારની બધી હદ પાર કરી દીધી છે. ખેડૂત આંદોલનને લઇને સોનિયા ગાંધીએ કહ્યું કે આ કાયદાને સરકાર જલ્દી પરત ખેંચી લે.
મહત્વનું છે કે, લોકસભા ચૂંટણી 2019 બાદ રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ પાછા સોનિયા ગાંધીએ અધ્યક્ષ પદની કમાન સંભાળી હતી. કોંગ્રેસમાં લાંબા સમયથી અંદાજો લગાવામાં આવી રહ્યો છે કે રાહુલ ગાંધીની ફરીથી અધ્યક્ષ પદ પર તાજપોશી થઇ શકે છે. જો કે કેટલીય વખત ગાંધી પરિવારથી અલગ અધ્યક્ષ બનવાનો અવાજ પણ પાર્ટીમાં ઉઠ્યો છે.