અત્રે ઉલ્લેખનીય છે કે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 મુજબ સગીર વયના યુવક/યુવતીઓના લગ્ન કરવા કે કરાવવા તે કાયદાકીય ગુનો બને છે. આવા લગ્ન કરનાર યુવક/યુવતી સહિત તેમના માતાપિતા કે, વાલી, મદદગારી કરનાર અન્ય વ્યક્તિ, બાળલગ્નમાં હાજરી આપનાર, વિધિમાં ભાગ લેનાર, લગ્નનું સંચાલન કરનાર, લગ્ન કરાવનાર ગોર મહારાજ/બ્રાહ્મણ, મંડપ-કેટરીંગ-બેન્ડવાજા તથા ફોટોગ્રાફીનું કામ રાખનાર વિગેરે તમામને, આ કાયદાકીય જોગવાઇ હેઠળ અપરાધી ગણવામાં આવ્યા છે. જેમને નિયમોનુસાર 02 વર્ષ સુધીની સખત કેદની સજા સાથે રૂપિયા એક લાખ રૂપિયા સુધીના દંડની પણ જોગવાઇ કરવામાં આવી છે. જેમ કે જામનગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની ટીમ દ્વારા કાલાવડ (શીતળા) ખાતે બાળ લગ્ન થતા અટકાવવામાં આવ્યા છે.
જામનગર જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગ અને જિલ્લા બાળ સુરક્ષા વિભાગ એ મે મહિનામાં પણ બે બાળલગ્ન થતા અટકાવ્યા હતા જયારે જુન મહિનામાં શરૂઆતમાં જ કાલાવડ તાલુકામાં એક્શનમાં આવી અસરકારક કામગીરી કરી બાળલગ્ન થતા અટકાવ્યા છે.આપણા સમાજમાં આવી ઘટનાઓ અટકાવવાની જવાબદારી તમામ નાગરિકોની છે, આથી તમારા ધ્યાનમાં પણ કોઈ જગ્યાએ બાળ લગ્ન થતા હોઈ એવુ ધ્યાને આવે તો જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીનો સીધો જ સંપર્કકરવો, આ માટે જામનગરના અધિકારીનો નંબર નોંધી લો, ફોન – 0288-2570306, જીલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીનો ફોન – 0288-2571098 છે. આ સિવાય ચાઈલ્ડ હેલ્પ લાઈન નંબર 1098 પર પણ સંપર્ક કરી શકો છો. આ સિવાય તમે લેખિતમાં પણ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીએ જાણ કરી શકો છો.