ફાટેલી નોટ જો ભૂલથી પણ કોઇ પધરાવી જાય તો એ વટાવી શકાતી નથી. ફાટેલી નોટ તમે જ્યાં પણ આપશો ત્યાંથી પાછી જ આવશે અને છેલ્લે તમારે એ નોટને બેંકમાં જમા કરાવવી પડશે પરંતુ બેંક પણ આ નોટ સ્વિકારશે કે નહી તેવા કેટલાય સવાલ આપણા મગજમાં આવી જાય છે.
જોકે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ આ અંગે બેંકોને કડકાઈથી આદેશ આપ્યો છે જે મુજબ ગ્રાહક કોઈપણ બેન્કમાં જઈને નોટને બદલી શકે છે. તે માટે બેન્ક ગ્રાહકોને ના પાડી શકે નહી, પછી ભલે ગ્રાહકનુ કોઈપણ બેન્કમાં કેમ ખાતુ ન હોય.
મળતી માહિતી મુજબ, RBIના દરેક બેંકને સખ્ત નિર્દેશ છે કે દરેક બેંકમાં ફાટેલી નોટનો સ્વિકાર કરવો. કોઇ પણ બેંક ફાટેલી નોટ લેવાથી ઇન્કાર નહી કરી શકે અને સાથે જ દરેક બેંકમાં આ વિશેની માહિતી પૂરી પાડતા બોર્ડ પણ લગાવે. કેટલીક પરિસ્થિતિમાં બેંક ગ્રાહકોને નોટ બદલી આપવાથી ઇન્કાર કરી દે છે તેવા મામલા પણ સામે આવે છે અને તેમને કહેવામાં આવે છે કે નોટ બદલવા માટે તમારે આરબીઆઇ જવું પડશે.
આ બાબતને કારણે ગ્રાહકોને તકલીફ ઉઠાવવાનો વારો આવે છે. જેથી ગ્રાહક પ્રાઇવેટ જગાઓથી નોટ બદલાવી લે છે પરંતુ પૂરા રૂપિયા મળતા નથી. જોકે બીજીબાજુ RBIએ જાણી જોઇને ફાડી નાખેલી નોટને બદલી આપવાની સખ્ત મનાઇ કરી છે. RBIએ બેંકને સાફ રીતે કહી દીધુ છે કે કોઇ પણ કિંમતની નોટ હોય પરંતુ જો તેને જાણી જોઇને ફાડવામાં આવી હશે તો તેને બદલી આપવામાં આવશે નહી.