પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિધાનસભા ચૂટણીની તૈયારીઓ માટે કમરકસી લીધી છે અને તેઓ હાલ ચૂંટણીને લઈ સક્રિય થયા છે. ભલે તેમની પાર્ટીના દિગ્ગજ નેતા અને ધારાસભ્યો પક્ષપલટો કરી ભાજપમાં સામેલ થઈ રહ્યા છે પરંતુ મમતા બેનર્જીને આનાથી કોઈ ફરક પડતો નથી.
આ બધાની વચ્ચે મુખ્યમંતરી મમતા બેનર્જી એક સંગીત કાર્યક્રમમાં સ્ટેજ પર ડાન્સ કરતા નજરે પડ્યા હતા. આ દરમિયાન તેઓ બિલકુલ ચિંતામુક્ત થઈને બાંગલા સંગીત પર ડાન્સ કરી હળવા અંદાજમાં જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ, સીએમ મમતા બેનરજી સંથાલી નૃત્યાંગના બસંતી હેમ્બ્રમ અને સ્થાનિક લોક કલાકારો સાથે ડાન્સ કરતા જોવા મળ્યા.અહીં તેમણે લોક કલાકારોને સન્માનિત પણ કર્યા હતા.
આ દરમિયાન તેમણે ભાજપ પર નિશાન સાધ્યુ હતું. તેમણે મંચ પરથી ભાજપ પર આડકતરી રીતે આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, બંગાળ ઉત્કૃષ્ટતા અને મેઘાને મહત્વ આપે છે. બંગાળને ક્યારેય ગુજરાતમાં ફેરવી શકાશે નહીં. તેમણે જણાવ્યું કે, બંગાળે જ રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીત અને દેશને જય હિન્દનો નારો આપ્યો છે. મહત્વનું છે કે, હાલમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના બે દિવસના પ્રવાસ દરમિયાન રોડ શો કરીને મમતા સરકારને આ વખતે વિધાનસભામાં ભાજપ બહુમતિથી જીત મેળવશે તેવો પડકાર ફેંક્યો હતો.