રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગાયત્રી આશ્રમ ગધેથડ પાસે આવેલ વેણુ-2 ડેમ માંથી તા. 15 મે રવિવારના રોજ પાણી છોડવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જેમાં ડેમમાં રિપેરિંગની કામગીરી હોવાથી સિંચાઈ વિભાગ દ્વારા સરકારમાં રજુવાત કરવામાં આવી હતી. ત્યારે રજૂઆત બાદ મંજૂરી મળતા ડેમમાંથી અંદાજિત 10 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે તેવું વિગતો સામે આવી છે.
આગામી 15 મી મે ના રોજ સવારે 11:00 વેણુ 2 ડેમના પાંચ દરવાજા પાંચ ફૂટ ખોલવામાં આવશે. જેમાં વેણુ 2 ડેમ ના હેઠ વસમાં આવતા ગધેથડ, નાગવદર, વરજાંગ જાળીયા, મેખાટીંબી, નિલાખા, ગણોદ સહિતના ઉપલેટાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
આ સાથે પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના ગામો કે જે ભાદર કાંઠાના ગામો છે તેમને પણ આ સાથે એલર્ટ કરવામાં આવ્યા છે. આ સાથે સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું છે કે લોકોએ આ દરમિયાન નદીના પટમાં ન જવું અને નદીના પટમાં રહેલ તમામ વસ્તુઓ અને ઢોરઢાંખર ખસેડી લેવા માટેની પણ સૂચના આપવામાં આવી છે