ગુજરાતમાં કોરોના કેસની સંખ્યા 30 હજાર નજીક પહોંચી જતા રાજ્ય સરકારની પણ ચિંતા વધી છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારે એમબીબીએસના અંતિમ વર્ષના 2800 જેટલા વિદ્યાર્થીઓ અને ઈન્ટર્નને આરોગ્ય વિભાગ સાથે ગોઠવવાની નવી વ્યૂહરચના બનાવી છે.
કોવિડ-19ના દર્દીઓની સંખ્યામાં ગુજરાત ટોચના ત્રણ રાજ્યોમાં સામેલ હોવાથી રાજ્યને કોરોના વાયરસના સંકટ સામે લડવા માટે ફ્રન્ટલાઈન મેડિકલ ટીમોની ભારે અછતનો સામનો કરવો પડી રહ્યો છે.
મળતી માહિતી મુજબ રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મુખ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યુ હતું કે, અમે આશરે અંતિમ વર્ષના 2800 જેટલા એમબીબીએસ વિદ્યાર્થીઓ માટે પ્રાદેશિક તાલીમ શરુ કરી છે. જેમને કોવિડ 19 દર્દીઓની સારવાર માટે ગોઠવવામાં આવશે. આગામી અઠવાડિયા સુધીમાં તેઓને જુદા જુદા પ્રદેશોમાં ફરજ સોંપવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલ આ નિર્ણય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકાને અનુરુપ છે. એમસીઆઈની સાથે બોર્ડ ઓફ ગવર્નર્સની ભલામણના આધારે મિનિસ્ટ્રીની ગાઈડલાઈન્સ સૂચવે છે કે ઈન્ટર્ન પ્રોવિઝનલી રજિસ્ટર કરાયેલા ડોક્ટરો છે. તેઓ કોવિડ19 કેસોના ક્લિનિકલ મેનેજમેન્ટમાં કોવિડ આરોગ્યની ફેકલ્ટીઝની દેખરેખ હેઠળ તાલીમ આપી શકે છે.