છેલ્લા કેટલાય સમયથી રાજસ્થાનના રાજકારણમાં વાંકું પડ્યું છે. સચીન પાયલોટે પોતાના જ પક્ષ વિરુદ્ધ મોરચો માંડ્યો છે. આવામાં ફરીથી રાજસ્થાનમાં રાજકારણમા ગુજરાતનો મોટો રોલ સામે આવ્યો છે.. આમ રાજસ્થાનનું રાજકારણ ફરીથી ગરમાયું છે. રાજસ્થાન ભાજપના વસુંધરાના સમર્થક કેટલાક ધારાસભ્યો ગુજરાત પહોંચ્યા છે. ભાજપના 12 ધારાસભ્યોને અમદાવાદ નજીકના એક રિસોર્ટમાં રખાયા હોવાની માહિતી મળી છે.
(File Pic)
રાજસ્થાનના ધારાસભ્ય અમદાવાદના બાવળામાં હોવાથી અનેક રાજકીય ચર્ચાઓ વહેતી થઈ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તમામ ધારાસભ્યોને ક્યાય બહાર લઈ જવામાં નહિ આવે. જે સ્થળ પર રાખવામાં આવ્યા છે ત્યા પાસેના તમામ રસ્તા પર ખાનગી ડ્રેસ પર પોલીસ કર્મચારી ગોઠવાયા છે. રાજકીય હેતુ પાર ન પડે ત્યા સુધી તમામને અહીં રાખવામાં આવશે. રાજસ્થાનમાં 14 ઓગસ્ટથી વિધાનસભા સત્ર શરૂ થવાનું છે. ત્યાં સુધી તમામ ધારાસભ્યોને રિસોર્ટમાં રાખવામાં આવશે.
(File Pic)
ઉલ્લેખનીય છે કે ભાજપના ધારાસભ્યો પલટી મારી કોંગ્રેસમાં જોડાય તેવી ભીતી સેવાઈ રહી છે. ત્યારે હવે ભાજપે રાજસ્થાનમાં પોતાના ધારાસભ્યોને સાચવવા કવાયત હાથ ધરી છે. આ કારણસર પોતાના કોઈ ધારાસભ્યો ન તૂટે તે માટે રાજસ્થાનના ભાજપના ધારાસભ્યોને અમદાવાદ લાવવામાં આવ્યા છે. ગુજરાતમાં ભાજપની સત્તા છે, આવામાં અહી ધારાસભ્યો સલામત ગણી શકાય. ગુજરાતમાં પણ ભાજપ સરકાર હોવાથી આ જગ્યા સલામત તથા રાજસ્થાનથી નજીકની પણ છે. આ ધારાસભ્યો અશોક ગેહલોતની સરકારને સમર્થન ન કરે તે માટે તેઓને અહી લાવવામાં આવ્યા છે.