ભારત રેલ મંત્રાલયે ગુજરાતમાં ચાલતી 11 જેટલી નેરોગેજ ટ્રેનો, જે છેલ્લા ઘણા સમયથી ખોટમાં દોડી રહી હતી, તેને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને લઈને ડાંગ જિલ્લાના વેપારી મંડળમાં નારાજગી જોવા મળી હતી. સાથે જ નવસારી અને ડાંગ જિલ્લાને જોડતી બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન બંધ થતા લોકો નારાજ થયા હતા અને ટ્રેન બંધ ન કરવા મામલે લડત આપી હતી. ત્યારે તેમની આ લડતનો સુખદ અંત આવ્યો છે.
નવસારી અને ડાંગ જિલ્લા માટે સારા સમાચાર એ છે કે, વઘઈ બીલીમોરા નેરોગેજ ટ્રેન બંધ નહિ થાય. રેલ મંત્રાલયે ચર્ચગેટના જનરલ મેનેજરને પત્ર લખી આ માહિતી આપી છે. પશ્ચિમ રેલવે વિભાગમાં આવતી 11 ટ્રેન પૈકી ગુજરાતની ૩ ટ્રેનો બંધ નહિ થાય. બીલીમોરા-વઘઈ નેરોગેજ તેમજ મીંયાગામ-માલસર અને કોરડા-મોટીકોરલ ટ્રેનો બંધ નહિ થાય તેવો નિર્ણય લેવાયો છે.
છેલ્લા ઘણા સમયથી ખોટ કરતી નેરોગેજ ટ્રેનોને બંધ કરવાનો નિર્ણયને લઈને ડાંગ જિલ્લાના વેપારી મંડળમાં ભારે નારાજગી જોવા મળી હતી. નવસારીમાં પણ રેલવે સંઘર્ષ સમિતિએ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે હવે નેરોગેજ બંધ નહિ રહે તેવા સમાચારથી ડાંગ અને નવસારીના લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.