ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોના વાયરસના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે તેના કારણે લોકોમાં ફફડાટ છે. સુરત, અમદાવાદ અને રાજકોટમાં કોરોનાના કેસો સૌથી વધારે વધી રહ્યા છે.
આણંદ જિલ્લામાં પણ કોરોનાના કેસો વધી રહ્યા હોવાથી હાહાકાર મચ્યો છે. આ કેસો વધે નહીં એ માટે આણંદના સારસા ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. સારસા ગામમાં સ્વૈચ્છિક સાત દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
સારસા ગામમાં મંગળવારે એક સાથે 25 કોરોના પોઝીટીવ કેસો નોંધાતાં તાત્કાલિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. મળતી માહિતી મુજબ, આણંદ નજીક સારસામાં ફરીથી કોરોના બિમારીએ માથુ ઉંચકતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. જો કે સારસા ગામમાં કોરોનાના 25થી વધુ કોરોના પોઝીટીવ કેસ મળી આવતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. ગ્રામ પંચાયત દ્વારા આગામી 16 માર્ચ સુધી બજારો 7 દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવાના આદેશ કર્યા હતા. આ દરમિયાન અત્યંત જરૂરી જીવન જરૂરી નિર્વાહની વસ્તુઓ જેમ કે દવાઓ માટે મેડીકલ સ્ટોર, દુધના વેચાણ માટેની દુકાનો સ્વૈચ્છિક બંધમાંથી મુકિત આપવામાં આવેલ છે.