અલ્હાબાદ યુનિવર્સિટીના કુલપતિ (વાઇસ ચાન્સેલર) સંગીતા શ્રીવાસ્તવે મસ્જિદમાં થતી અઝાનને કારણે ઊંઘ ઊડી જતી હોવાની ફરિયાદ કરી છે. આમ નમાજ પઢવા માટે પોકારાતી મુસ્લિમોની અઝાન સામે ફરી વાંધો ઊઠ્યો છે.
બોલીવૂડ સિંગર સોનૂ નિગમે અઝાનથી ઉંઘમાં ખલેલ પડતો હોવાની કરેલી ફરિયાદ બાદ હવે અલ્હાબાદ યુનિવર્સિટીનાં કુલપતિ સંગીતા શ્રીવાસ્તવે કમિશ્નર, આજી અને જિલ્લા અધિકારી અને એસએસપીને લેખિત ફરિયાદ કરી છે. વીસીએ પત્ર લખીને કહ્યું કે, દરરોજ સવારે 5.30 વાગ્યે મસ્જિદના મૌલવી દ્વારા થતી અઝાનથી મારી ઉંઘમાં ખલેલ પડે છે અને મને પછી ઉંઘ આવતી નથી. અપૂરતી ઉંઘને લીધે મને માથામાં દુઃખાવો થાય છે અને દિવસ દરમિયાન કામ ઉપર પણ અસર પડે છે.
વાઈસ ચાન્સેલર સંગીતા શ્રીવાસ્તવે પોતાના પત્રમાં અલ્હાબાદ હાઈકોર્ટના એક ચુકાદાને પણ ટાંક્યો હતો. બીજીતરફ મસ્જીદનો વહીવટ કરનાર કમિટીના સભ્ય મોહમ્મદ કલીમે જણાવ્યું કે પોલીસે અમને યુનિવર્સિટીના વીસીને થતી તકલીફ અંગે વાત કરી હતી. એટલા માટે હવે મસ્જિદના લાઉડસ્પીકરનો અવાજ અમે ધીમો કરવાનો નિર્ણય લીધો છે જેથી તેમને અઝાનના અવાજથી તકલીફ ન થાય.