અમદાવાદમાં ગીતા મંદિર ખાતે સેન્ટ્રલ બસ પોર્ટ આવેલું છે. અહીં એક એવી ઘટના બની છે જેનાથી મુસાફરો જ નહીં પરંતુ અહીં દુકાન ધરાવતા લોકો પર ભયભીત બની ગયા છે. અહીં બસ ડેપો સંકુલમાં આવેલા એક ભોજનાલયમાં કેટલાક અસામાજિક તત્વોએ તોડફોડ કરી છે. એવી માહિતી મળી છે કે અસામાજિક તત્વોએ દુકાનદાર પાસેથી ખંડણી માંગી હતી. ખંડણી ન આપવામાં આવતા તોડફોડ કરવામાં આવી હતી.આ અંગે સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ હાથમાં દોરડું લઈને આવે છે. દોરડાના છેડાના ભાગે કોઈ ભારે વસ્તુ બાંધેલી હોય છે. જેનાથી તે ભોજનાલયના રિસેપ્શન પર વાર કરે છે.
ટેબલ પર પડેલી વસ્તુઓ પણ ઢોળી નાખે છે. આ દરમિયાન કેટલાક લોકો અસામાજિક તત્વોને રોકવાનો પણ પ્રયાસ કરતા નજરે પડે છે. બનાવ બાદ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ ફરિયાદ દાખલ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.આ અંગે પ્રાથમિક તપાસમાં એવી વિગતો ખુલી છે કે એસટી બસ ડેપો સંકુલમાં એક ભજીયા હાઉસ આવેલું છે. જેના માલિકનું કહેવું છે કે કેટલાક અસામાજિક તત્વો આવ્યા હતા અને દુકાન ચાલુ રાખવી હોય તો ખંડણી આપવી પડશે તે પ્રકારની વાત કરી હતી. ખંડણી આપવાનો ઇન્કાર કરવામાં આવ્યા બાદ અસામાજિત તત્વોએ તોડફોડ શરૂ કરી દીધી હતી.