જન્માષ્ટમી પર્વે શહેરના ઇસ્કોનમંદિર ખાતે ભગવાન શ્રીકૃષ્ણના 5248મા જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ બીજા દિવસે નંદોત્સવ નિમિત્તે ભક્તોએ વહેલી સવારથી ભગવાનને પારણે ઝૂલાવી ધન્યતા અનુભવી હતી. વિક્રમ સંવત 2077ને શ્રાવણ વદ આઠમ એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ જેને ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણાં દેશોમાં ધામધુમથી ભારે ભક્તિભાવ સાથે મનાવવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણના 5248મા જન્મોત્સવ નિમિત્તે શહેરના ગોત્રી ખાતે આવેલા હરીનગર સ્થિત ઇસ્કોનમંદિર ખાતે રાત્રે મંદિરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું
.મંદિરના બગીચામાં ભગવાન શ્રીકૃષ્ણના વિવિધ ઝાંખીઓના દર્શન કરાવવામાં આવ્યા હતા. રાત્રે 12:00 કલાકે રોહિણી નક્ષત્ર સાથે વૃષભ રાશિના સંયોગમા ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાનને વિવિધ વસ્તુઓ, સાથે મંત્રોચ્ચાર સાથે વિધિવત જળાભિષેક કરાયા બાદ તેમનું પૂજન આરતી કરવામાં આવી હતી. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે વડોદરા શહેરના પોલીસ કમિશ્નરશ્રી ડો.શમશેરસિંઘ તેમના ધર્મપત્ની સાથે ખાસ હાજર રહ્યા હતા. સાથે જ અન્ય પોલીસ અધિકારીઓ તથા પૂર્વ મેયર ભરતભાઇ ડાંગર સહિતના અતિથિગણ ઉપસ્થિત રહ્યાં હતાં.
