ભારતમાં કોરોનાનું સંક્રમણ છેલ્લા કેટલાક દિવસોથી ઘટતુ જોવા મળી રહ્યુ છે જોકે તેમ છતાં કેસોની સંખ્યાનો આંકડો હજી વધતો જાય છે. ત્યારે દેશમાં કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે રસીની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ભારત સરકાર ઓક્સફોર્ડ અને એસ્ટ્રાજેનેકાની રસી કોવીશિલ્ડના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આગામી સપ્તાહ સુધીમાં આપી શકે છે. આ અંગે સુત્રોએ જણાવ્યું કે સીરમ ઈન્સ્ટિટ્યૂટે આ અંગે સરકારને વધુ ડેટા ઉપલબ્ધ કરાવ્યો છે. જેની માંગણી કરવામાં આવી હતી.
મહત્વનું છે કે, ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ કોવીશિલ્ડ રસી બનાવી રહી છે. જો સરકાર ઓક્સફોર્ડ અને એસ્ટ્રાજેનેકાને રસી કોવીશિલ્ડ માટે મંજૂરી આપે તો ભારત આ રસીના ઉપયોગની મંજૂરી આપનારો પહેલો દેશ હશે.
આ સાથે જ કોવીશિલ્ડ ભારતની પહેલી રસી હશે કારણ કે અત્યાર સુધી કોઈ રસીના ઉપયોગની મંજૂરી મળી નથી. આપને જણાવી દઈએ કે પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા(SII) એ બ્રિટિશ-સ્વીડિશ ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકા સાથે મળીને ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિક્સિત રસીના નિર્માણ માટે કરાર કર્યો છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાનો દાવો છે કે તેમની કોરોના રસી અંતિમ તબક્કાના પરીક્ષણોમાં 90 ટકા પ્રભાવી છે.