વિશ્વભરમાં કોરોનાનો કહેર હજી પણ યથાવત છે. અમેરિકા, બ્રિટેન, રશિયામાં કોરોનાની વેક્સિનેશનની પ્રક્રિયા શરુ પણ થઈ ગઈ છે ત્યારે છેલ્લા ઘણા સમયથી ભારતીયો દેશમાં વેક્શિનની પ્રક્રિયા શરુ થવાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હવે ભારતીયોને વેક્સિન માટે બહુ રાહ જોવી નહીં પડે.
દેશભરમાં 16 જાન્યુઆરીથી રસીકરણ શરૂ થશે. દેશમાં વેક્સિનેશનને લઈને તમામ તૈયારીઓ હાથ ધરી લેવામાં આવી છે. સૌ પ્રથમ સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન સેવા બજાવતા કર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે.
મળતી માહિતી મુજબ, કોરોના વેક્સિનને લઇને PM મોદી સોમવારે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજવાના છે. આ વચ્ચે રસીકરણને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે અને 16 જાન્યુઆરીથી વેક્સિનેશનની પ્રક્રિયા હાથ ધરવા લીલીઝંડી આપવામાં આવી છે. સૌ પ્રથમ 3 કરોડ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કામદારોને વેક્સિન નિ:શુલ્ક આપવામાં આવશે. મહત્વનું છે કે દેશના વિવિધ રાજ્યોમાં વેક્સિન પહોંચે તે પહેલા છેલ્લા કેટલાક દિવસથી ડ્રાય રનનું પણ આયોજન કરાયુ હતું.