ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં ઉત્તરાયણના તહેવારની લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક રાહ જોતા હોય છે. આ વખતે કોરોનાના કારણે ઘણા તહેવારોની મજા બગડી હતી. ત્યારે ઉત્તરાયણ પર્વને પણ ગ્રહણ લાગ્યુ છે.
રંગીલા રાજકોટના શોખીન યુવાનો આ વખતે ઉત્તરાયણ પર ધાબા પર ભેગા થઈને પતંગ ઉડાવવાની મજા નહીં માણી શકે. કારણ કે, કોરોનાકાળ ચાલી રહ્યો હોવાતી રાજકોટ પોલીસ કમિશ્નરે ઉત્તરાયણની ઉજવણીને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં કોરોના ફેલાય નહીં એ માટે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવાનું રહેશે અને આ નિયમોનું પાલન નહીં કરનાર સામે પણ કાર્યવાહી થશે. આથી યુવાનો ધાબા પર ભેગા થઈને પતંગબાજીની મજા નહીં માણી શકે.
રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જાહેરનામું બહાર પાડ્યું છે અને ચાઇનીઝ દોરા, તુક્કલનાં વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ લગાવ્યો છે. આ જાહેરનામા મુજબ 18 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી સુધી કોઇપણ વ્યક્તિ જાહેરમાર્ગ, રસ્તા, ફૂટપાથ અને ભયજનક ધાબા પર પતંગ ઉડાવી શકશે નહીં.