કોરોના સંકટ વચ્ચે દેશમાં અનલોક તબક્કા વાર લાગૂ કરાઇ રહ્યું છે. જેમાં આજે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અનલોક 4 ની ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી હતી. સરકારે શરતોની સાથે 7 સપ્ટેમ્બરથી મેટ્રો શરૂ કરવાની મંજૂરી આપી છે.
ત્યારે 21 સપ્ટેમ્બરથી ધાર્મિક આયોજનમાં 100 લોકોને સામેલ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે શિક્ષણ સંસ્થાને હજુ પણ ખોલવાની સરકાર દ્વારા મનાઈ ફરમાવાઈ છે. શાળા કોલેજો ખોલવાને લઈને હજુ પણ પ્રતિબંધ ચાલુ જ રહેશે.
આ ઉપરાંત સિનેમા હોલ્સ, સ્વિમિંગ પૂલ્સ, મનોરંજન પાર્ક્સ જેવી જગ્યાઓ ઉપર પ્રતિબંધ લાગુ રહેશે..જોકે 21 સપ્ટેમ્બરથી ઓપન એર થીએટર શરુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. તો મેટ્રો રેલ 7 સપ્ટેમ્બરથી શરતી ધોરણે શરુ કરી શકાશે.
આ માટે હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા SOP જાહેર કરવામાં આવશે. અનલોક 4 ની ગાઇડલાઇનમાં સાથે એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર કે ગામના સ્તરે સ્થાનિક લોકડાઉન પોતાની મરજીથી લાગુ નહીં કરી શકે. આ માટે પહેલા કેન્દ્ર સરકારની પરવાનગી લેવી પડશે.