ગત મહિનાના અંતમાં અનલોક 5 માટે જાહેર કરવામાં આવેલ ગાઈડલાઈનને હવે 30 નવેમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી છે. આ સાથે જ કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં લોકડાઉન 30 નવેમ્બર સુધી યથાવત રાખવામાં આવ્યું છે.મળતી માહિતી મુજબ, દેશભરમાં હજી પણ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. જોકે પહેલાના પ્રમાણમાં છેલ્લા કેટલાક દિવસોથી આ કેસોની સંખ્યા ઘટી રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રાલયે અનલોક – 5ની ગાઈડલાઈનને લંબાવવાનો નિર્ણય કર્યો છે.
જે અંતર્ગત અનલોક – 5ની ગાઈડલાઈનને 30 નવેમ્બર સુધી લંબાવી દેવાઈ છે. અનલોક 5ની સમય મર્યાદા આગામી સપ્તાહે પૂર્ણ થઈ રહી હતી. અનલોક 5ની ગાઈડલાઈન મુજબ કન્ટેનમેન્ટ ઝોનમાં 30 નવેમ્બર સુધી લોકડાઉન યથાવત રહેશે. એટલે કે ત્યાં સ્કૂલ-કોલેજ, ટ્યુશન ક્લાસીસ, સિનેમાઘરો ખોલવાની મંજૂરી નહીં આપવામાં આવે.
તેમજ આ લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તેમ ગૃહ મંત્રાલય દ્વારા જણાવાયું છે. સાથે જ એક રાજ્યથી બીજા રાજ્યમાં વ્યક્તિઓ અને માલની આંતરરાજ્ય પરિવહન પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. આ માટે કોઈ અલગ પરમિશનની જરૂર રહેશે નહીં. આપને જણાવી દઈએ કે, 30 સપ્ટેમ્બરે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક 5 માટે ગાઈડલાઈન જાહેર કરાઈ હતી.
જે અંતર્ગત 15 ઓક્ટોબર પછી સિનેમાહોલ, એન્ટરટેઈનમેન્ટ પાર્ક, સ્વિમિંગ પુલને ખોલવા મંજૂરી અપાઈ હતી. જોકે ગૃહ મંત્રાલયે 50 ટકા હાજરી સાથે જ સિનેમાઘરોને ખોલવા મંજૂરી આપી હતી. સાથે જ 15 ઓક્ટોબર પછી સ્કૂલ-ટ્યુશન ક્લાસીસ ખોલવા કે નહીં તેનો નિર્ણય રાજ્ય સરકારો છોડ્યો હતો.