આજથી એટલે કે પહેલી ઓગસ્ટથી ગુજરાત સહિત દેશભરમાં અનલોક-3 લાગું થઈ ગયું છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં અનલોક-3 સંદર્ભમાં ભારત સરકારે જાહેર કરેલી ગાઈડ લાઇન્સના અનુસંધાને ગુજરાત માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યાં હતા.
(File Pic)
અનલોક 3 સાથે જ નવા નિયમો પણ લાગુ કરાયા છે. જે અંતર્ગત આજથી રાત્રિ કરફ્યૂમાંથી લોકોને મુક્તિ આપવામાં આવી છે. તો કોરોના મહામારીને ધ્યાનમાં રાખી લોકોમાં માસ્ક પહેરવાને લઈ અવરનેસ આવે તે માટે અમુલ પાર્લર પર 2 રૂપિયાની નજીવી કિંમતે માસ્કનું વેચાણ શરુ કરવામાં આવ્યુ છે. આ સાથે જ રાજ્યભરમાં માસ્ક ન પહેરવા પર તેમજ જાહેરમાં થૂકવા પર દંડની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
(File Pic)
રાજ્યમાં 1 ઓગસ્ટથી રાત્રિ કરફયુમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવાની જાહેરાત કરાઈ હતી. આજથી રાજ્યમાં દુકાનો 8 વાગ્યા સુધી તેમજ હોટલ રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
(File Pic)
કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અને એસ.ઓ.પી મુજબ રાજ્યમાં જીમ અને યોગ સેન્ટર 5મી ઓગસ્ટથી ખોલી શકાશે. આ સિવાયની અન્ય બાબતો માટે કેન્દ્ર સરકારની પ્રવર્તમાન ગાઈડ લાઇન્સને રાજ્ય સરકાર અનુસરશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જોકે, હોટેલ-રેસ્ટોરન્ટનો સમય વધારીને 10ની જગ્યાએ 11થી 12 વાગ્યા સુધીનો કરવાની હોટેલ-રેસ્ટોરન્ટના માલિકો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે.