ચીનના વુહાન પ્રાંતથી ફેલાયેલા કોરોના વાયરસે આજે સમગ્ર વિશ્વને પોતાની ઝપેટમાં લીધું છે. ભારતમાં પણ કોરોનાના 2 લાખથી વધુ કેસ સામે આવી ચુક્યા છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે 25 માર્ચથી લોકડાઉન લગાવવામાં આવ્યુ હતું.
જોકે આ લોકડાઉન દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં અનેક જગ્યાઓએ જરુરીયાતમંદ લોકોની હાલત કફોડી બની હતી. જે દરમિયાન અનેક સેવાભાવી સંસ્થાઓ, એનજીઓએ આગળ આવી જરુરીયાતમંદ લોકોને અનાજ સહિતની જીવનજરુરીયાતની ચીજવસ્તુ પુરી પાડી હતી.
ત્યારે અમદાવાદમાં અમદાવાદ ફાઈટ્સ કોરોના અભિયાન અંતર્ગત અત્યંત ગરીબ, રોજમદાર, ઘરડા ઘર કે આશ્રય સ્થાનમાં રહેતા લોકો માટે અમદાવાદની સામાજિક સંસ્થાઓ મેદાને આવી હતી.
આ સામાજિક સંસ્થાઓમાં Amdavad Rockets, Elixir Foundation , Ahmedabad Global Shapers, Hey Hi foundation, HeartyMart એ લોકડાઉનના સમયમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી ભોજન સહિતની જીવનજરુરીયાતની ચીજવસ્તુઓ પહોંચાડી હતી. #AhmedabadFightsCorona અભિયાનમાં 3500થી વધુ વોલિએન્ટર જોડાયા હતા.
જેમણે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ગરીબના ઘર સુધી 9 હજાર રાશનકિટ, 4 લાખ ફૂડપેકેટ સહિતની જીવન જરુરીયાતની ચીજ વસ્તુઓ પહોંચાડી હતી.
આ અંગે અમદાવાદ રોકેટ્સના ફાઉન્ડર રાકેશ ગોસ્વામીએ અમારી ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે તેમણે અને તેમની સંસ્થાના સ્વયંસેવકોએ કઠવાડામાં 6 કિલોમીટર અંદર આવેલ ગામમાં પહોંચી ગરીબો સુધી રાશન કિટનું વિતરણ કર્યુ હતું.
તેમના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં એએમસી પણ પહોંચી શક્યુ નહતું જ્યાં તેમની સંસ્થાએ પહોંચી જરુરીયાતમંદોને રાશન કિટનું વિતરણ કર્યુ હતું. આ અભિયાન 24 ફેબ્રુઆરીથી લઈ મે મહિનાના અંતિમ સપ્તાહ સુધી ચાલ્યુ હતું.
આ માટે તેઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ પોલીસે પણ સાથ સહકાર આપ્યો હતો.