મોદી સરકારની મુશ્કેલી વધારતો વધુ એક રિપોર્ટ સામે આવ્યો છે. જેને લઈ આગામી સમયમાં ભાજપ શાસિત રાજ્યોમાં આવતી ચૂંટણીઓ પર તેની અસર પડી શકે છે. ધ ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટના એક રિપોર્ટ અનુસાર, મોદી સરકારના શાસન એટલે કે 2014 થી અત્યાર સુધી ભારત લોકશાહી ઈન્ડેક્સમાં 26 રેન્ક નીચે ખસેડાઈ ગયો છે.
ભારતને દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતા તરીકે નવાજીને તેની લોકશાહી તંત્રના ચોરે અને ચોટે વખાણ થાય છે. પરંતુ જ્યારથી દેશમાં મોદી સરકારનું શાસન આવ્યું છે ત્યારથી ભારતની લોકશાહીનો ગ્રાફ ઘણો નીચે આવી ગયો છે. 2020 લોકશાહી ઈન્ડેક્સની વૈશ્વિક રેન્કિંગમાં ભારત 2019 ની તુલનાએ બે સ્થાન નીચે સરકીને 53 મા સ્થાને આવી ગયો છે.
રિપોર્ટમાં તેની પાછળ બે કારણો પણ ગણાવાયા છે. રિપોર્ટ અનુસાર, 2019 માં ભારતને 6.9 પોઈન્ટ મળ્યાં હતા, જે ઘટીને 6.61 પોઈન્ટ થયા છે. લોકશાહીના પતન થવા પાછળના બે કારણોમા પહેલું કારણ લોકશાહીય મૂલ્યોમાંથી પાછીપાની અને બીજું નાગરિકોની સ્વતંત્રતા પર કાર્યવાહી છે. આ બે મુખ્ય કારણોને લીધે ભારતને 6.61 પોઈન્ટ મળ્યાં હતા અને 2014 માં તેની વૈશ્વિક રેન્કીંગ 53 મા સ્થાને આવી ગઈ હતી. મહત્વનું છે કે, લોકશાહી ઈન્ડેક્સમાં 167 દેશોમાંથી 23 દેશોને પૂર્ણ લોકશાહી, 52 દેશોને ક્ષતિગ્રસ્ત લોકશાહી, 35 દેશોને મિશ્રિત શાસન અને 57 દેશોને સત્તાવાદી શાસન તરીકે સામેલ કરાયા છે.