ગુજરાતમાં કોરોનાના કેસોની રફ્તાર ખૂબ જ ઝડપથી વધી રહી છે. ગુજરાતમાં હવે કેસની સંખ્યા 1 લાખની નજીક પહોંચવા આવી છે આગામી દિવસોમાં આ આંકડાને ગુજરાત વટાવી દેશે. ત્યારે 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના વધુ 1272 કેસો નોંધાયા છે. રાજ્યમાં 29 ઓગસ્ટ સાંજથી 30 ઓગસ્ટ સાંજ સુધીમાં રાજ્યમાં વધુ 1272 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 95155 થઈ છે.
રાજ્યમાં કોરોનાનો કહેર વધતા તંત્ર પણ હરકતમાં આવ્યુ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો બીજીબાજુ રાજ્યમાં 24 કલાકમાં 1095 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 24 કલાકમાં વધુ 17 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 3008 થયો છે.
જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 76857 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 257 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 169, વડોદરામાં 130 અને રાજકોટમાં 119 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગરમાં 68, જામનગરમાં 106, પંચમહાલમાં 35, કચ્છમાં 26, ભરુચમાં 30 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 15390 એક્ટિવ કેસ હોવાની વિગત સામે આવી છે.