તમે અત્યાર સુધી ઘણા બધા લગ્ન જોયા હશે અને શાહી લગ્નના ફોટો અથવા વીડિયો પણ જોયા હશે. વર્તમાન સમયમાં કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે જેના કારણે મોટી સંખ્યામાં સમૂહમાં ભેગા થવું જોખમી સાબિત થાય એમ છે જેથી લગ્ન સમારોહથી લઈ મોટા આયોજનો મુલતવી રાખવામાં આવી રહ્યા છે.
ત્યારે બ્રિટેનમાં રહેતા વિનય પટેલ અને રોમા પોપટ નામના યુગલે કોરોના વાયરસના સંક્રમણને જોતા અનોખી રીતે પોતાના લગ્નનું આયોજન કર્યું. આ કપલે કોરોના વાયરસના સંક્રમણને જોતા ડ્રાઈવ ઈન વેડિંગનું આયોજન કર્યુ હતું. જેના વિડિયો અને ફોટો હાલ વાયરલ થયા છે.
કોરોનાના કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે આ લગ્નમાં કપલ પોતે તો એક ગોલ્ફ કાર્ટમાં સવાર થયું જ હતું પરંતુ લગ્નમાં હાજરી આપનાર તમામ લોકોને પણ ગાડીમાં જ આવવા આમંત્રણ અપાયુ હતું. જ્યાં લગ્નમાં હાજરી આપનાર સેંકડો મહેમાનોએ કારમાં બેઠા બેઠા મોટા પડદા પર લગ્ન સમારોહ નિહાળ્યો હતો.
આ આગવાં લગ્ન સમારોહમાં હાજરી આપવા વિવિધ કાર્સમાં આવેલા મહેમાનોને ટેસ્ટી સ્નેક્સના હેમ્પર અને સુરક્ષાની સૂચનાઓ સાથે આવકારાયા હતા. આશરે ૧૫ વ્યક્તિઓની મર્યાદા સામે પરિવાર અને મિત્રોને લગ્નમાં સામેલ કરવા કન્યા રોમા પોપટ અને વર વિનલ પટેલના પરિવારે ૫૦૦ એકરમાં પથરાયેલા એસેક્સ એસ્ટેટમાં આયોજન કર્યું હતું.
લગ્નવિધિ પૂર્ણ થયા બાદ આમંત્રિત મહેમાનોએ પણ કાર્સમાંથી હોર્નના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજાવી દીધુ હતું. ત્યારબાદ નવદંપતીએ એક ગોલ્ફ કાર્ટમાં સવાર થઈને દરેકે દરેક કાર પાસે જઈ આમંત્રિત મહેમાનોની શુભેચ્છા અને આશીર્વાદ મેળવ્યા હતા.