ગુજરાતમાં ચૂંટણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. તમામ પક્ષો અલગ-અલગ વિસ્તારોમાં પોતાનો ગઢ મજબૂત કરવામાં વ્યસ્ત છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં કોમી રીતે સંવેદનશીલ ગણાતા ગુજરાતના ગોધરામાં તેનું રાજકીય મેદાન મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. કારણ કે આ પાર્ટીએ ગયા વર્ષની નાગરિક ચૂંટણીમાં અહીં સારું પ્રદર્શન કર્યુ હતુ. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીને આશા છે કે, આ ચૂંટણીમાં મુસ્લિમ મતદારોનું સંપૂર્ણ સમર્થન હશે અને અન્ય ઉમેદવારો વચ્ચે મતોનું વિભાજન થશે, જે તેમનો રસ્તો સરળ બનાવી શકે છે.
ગયા વર્ષે યોજાયેલી ગોધરા નગરપાલિકાની ચૂંટણીમાં AIMIMએ સાત બેઠકો જીતી હતી અને ભાજપને સત્તાથી દૂર રાખવા માટે અપક્ષો સાથે ગઠબંધન કર્યું હતું. ઓવૈસીની પાર્ટીના સમર્થનથી અપક્ષ સંજય સોની ફેબ્રુઆરી 2021માં નગરપાલિકાના અધ્યક્ષ બન્યા હતા, પરંતુ ગયા વર્ષે નવેમ્બરમાં ભાજપનું સમર્થન મળતાં તેમણે AIMIM છોડી દીધું હતું.
આ વખતે AIMIM પોતાની પકડ મજબૂત કરવા અને ગોધરા વિધાનસભા બેઠક જીતવાનો પ્રયાસ કરી રહ્યું છે. હાલમાં અહીંથી ભાજપના ધારાસભ્ય છે. ગોધરા ગુજરાતની 14 વિધાનસભા બેઠકોમાંથી એક છે. જ્યાં AIMIM આ વખતે ચૂંટણી લડી રહી છે. ઓવૈસીએ અહીંથી પોતાના ઉમેદવાર હસન શબ્બીર કાચબાના સમર્થનમાં એક વિશાળ સભાને સંબોધિત કરી હતી. ભાજપે અહીં પોતાના વર્તમાન ધારાસભ્ય સી.કે. રાઉલજીને ટિકિટ આપી છે. કોંગ્રેસે રશ્મિતાબેન ચૌહાણ અને આમ આદમી પાર્ટીએ રાજેશભાઈ પટેલને ઉમેદવાર બનાવ્યા છે.