દેશમાં ગરીબ વર્ગના પરિવારોના ઘરે ચૂલા પર રસોઈ બનતી હતી, જેને કારણે લાખો મણ લાકડાં બળતણ તરીકે વપરાતાં હતાં અને હવામાં કાર્બનડાયોક્સાઇડનું પ્રમાણ વધતું હતું. ત્યાર બાદ દેશી ચૂલાનું સ્થાન પ્રાઇમસે લીધું હતું. એમાં પણ ગરીબોને રોજબરોજ કેરોસિનની હાડમારી અને ધુમાડાનું પ્રદૂષણ વેઠવું પડતું હતું. જેથી મહિલા સહિત માનવ જિંદગીનું સ્વાસ્થ્ય જોખમાતું હતું. એને ધ્યાનમાં લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1લી મે 2016થી ઉજ્જવલા યોજના હેઠળ ઘેર ઘેર ગેસ-કનેક્શન પહોંચાડી મહિલાઓને ચૂલા ફૂંકવામાંથી મુક્તિ અપાવાની શરૂઆત કરી હતી.ગેસના બાટલા માળિયા કે ઘરના ખૂણામાં મૂકીને પુનઃ લાકડાં વીણીને ચૂલા ફૂંકવા માટે ગરીબ મહિલાઓ 15મી સદીમાં જીવવા મજબૂર બની છે. ગેસ-કનેક્શન હોવાથી દર મહિને અગાઉ રેશનિંગ પર વ્યકિતદીઠ મળતું 2 લિટર કેરોસિન પણ બંધ થઇ ગયું છે, જેથી કેરોસિન વિના રાત્રે અંધારા ઉલેચવાના અને દિવસે ચૂલા ફૂંકવાનો વખત આવ્યો છે.
ગરીબ રેશનકાર્ડધારકોને બાવાના બેય બગડ્યા જેવી સ્થિતિ નિર્માણ પામી છે.સોજીત્રા તાલુકાના એક ગામમાં ઉજ્જવલા હેઠળ ગેસ-કનેક્શન ધરાવનાર અંત્યોદય કાર્ડધારકને 2018માં ગેસ-સિલિન્ડર મળ્યું હતું. શરૂઆતમાં 600 રૂપિયા હતા ત્યારે ભરાવતા હતા, પરંતુ છેલ્લા એક વર્ષથી ગેસ-સિલિન્ડર ભરાવ્યું નથી. અમારી માસિક આવક માંડ 4 હજાર જેટલી છે. ઘરમાં ચાર સભ્યો છે, જેમાં બે બાળક છે. તેમને ખવડાવવું કે ગેસના બાટલા ભરાવીએ ? અત્યારે 1000 રૂપિયા છે. એમાંથી 200 રૂપિયા સબસિડી મળે તો બાકીનાં નાણાં લાવવા ક્યાંથી? તેથી હું લાકડાં વીણી લાવી ચૂલા પર રસોઇ બનાવું છું. > ચંદાબેન સોલંકી, ગેસ-કનેક્શનધારક, સોજીત્રા