ગુજરાતની જિલ્લા પંચાયત, નગર પાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો રકાસ થયો છે. રાજ્યની જનતાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે. ત્યારે આ વચ્ચે ગુજરાત કોંગ્રેસમાંથી ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. જેમાં કોંગ્રેસના બે નેતાઓએ હાર સ્વિકારીને રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યુ છે.
સુત્રોના જણાવ્યા મુજબ, અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું છે. તેઓ ચૂ્ંટણીમાં હારની જવાબદારી સ્વીકારી છે. કોંગ્રેસ હાઇકમાન્ડને તેઓએ રાજીનામાં મોકલ્યાં છે. જેને લઈ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. મળતી માહિતી મુજબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને જાકારો મળ્યો છે.
મહાનગરપાલિકા બાદ હવે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસમાં ભારે અરાજકતા ફેલાઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થયા છે. ત્યારે સ્પષ્ટ થયું છે કે, ગુજરાત કોંગ્રેસની નેતાગીરી નિષ્ફળ નીવડી છે. આજના પરિણામ બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા તેમજ પરેશ ધાનાણીએ રાજીનામુ આપ્યુ છે. તેમણે પોતાનુ રાજીનામુ કોંગ્રેસ હાઈકમાન્ડને મોકલ્યુ હોવાનું પણ સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે.