કોરોના વાયરસ હવે ભારતમાં પોતાનો પગ પેસારો કરી રહ્યો છે. ભારતમાં ધીમે-ધીમે કોરોના વાયરસના ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. બુધવાર સુધી કોરોનાના તાજા 26 પોઝિટિવ મામલા સામે આવી ચુક્યા છે. તો હવે ગુજરાતના સુરતમાં પણ બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રાજસ્થાનમાં ફરવા આવેલા ઈટાલીના 16 નાગરિકો સહિતના અન્યને આ બીમારી હોવાનું જાહેર થતાં તેમને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તેમની સઘન સારવાર શરૂ કરી દેવામાં આવી છે.
કોરોના વાયરસનો સામનો કરવાની તૈયારીઓ સરકાર કરી રહી છે. બુધવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને વરિષ્ઠ અધિકારીઓની સાથે મળીને બેઠક કરી અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ બુધવારે જાહેરાત કરી કે અત્યાર સુધી 15 લેબ છે, જ્યાં કોરોના વાયરસની તપાસ કરવામાં આવી રહી છે. હવે સરકાર તરફથી વધુ 19 લેબ બનાવવામાં આવશે.
હોળીના તહેવાર આડે માંડ એક સપ્તાહ રહ્યું છે ત્યારે નિષ્ણાતોએ ટોળાંબંધ એકત્ર થવા સામે ચેતવણી ઉચ્ચારી છે. નિષ્ણાતોની સલાહ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની કેબિનેટ તેમજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમે હોળીનો તહેવાર ન ઉજવવાની જાહેરાત કરી છે.