ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યોમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોનાની ઝપેટમાં રાજકીય નેતાઓ પણ આવી રહ્યા છે. અહમદ પટેલ, ભરતસિંહ સોલંકી, શંકરસિંહ વાઘેલા, અમિત શાહ જેવા દિગ્ગજ નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. ત્યારે વધુ બે દિગ્ગજ નેતાઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
કોંગ્રેસ નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત બારડોલીના ભાજપ સાંસદ પ્રભુ વસાવા પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. કોરોના સંક્રમિત થયા અંગેની માહિતી ખૂદ શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને આપી હતી.
તેમણે ટ્વીટ મારફતે જણાવ્યું કે, આજે મેં કોરોના RT PCR ટેસ્ટ કરાવ્યો હતો. મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આપ સૌની શુભકામનાઓ મારી સાથે છે, જેથી હવે કોરોના સાથે પણ લડી લઇશ.
જ્યારે ભાજપ બારડોલીના સાંસદ પ્રભુ વસાવા કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. ભાજપ સાંસદ પ્રભુ વસાવાએ ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. સાથે જ તેમણે પોતાની સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઈન તથા આઈસોલેશન થઈ કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી હતી.