નવેમ્બરમાં અમેરિકન રાષ્ટ્રપતિ પદ માટે ચુંટણી યોજાવાની છે અને બન્ને પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. ત્યારે વર્તમાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવેમ્બરમાં યોજાનાર ચુંટણી માટે રિપલ્બિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદનું નામાંકન સત્તાવાર રીતે સ્વીકાર કરી લીધું છે. અમેરિકામાં ત્રણ નવેમ્બરે રાષ્ટ્રપતિ પદ માટે ચુંટણી યોજાવાની છે.
આ વખતે ટ્રમ્પ વિરુદ્ધ ડેમોક્રેટિક પાર્ટી તરફથી જો બિડેન ઉમેદવાર છે. 74 વર્ષીય ડોનાલ્ડ ટ્રમ્પે રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય સંમેસન આરએનસીના છેલ્લા દિવસે વ્હાઈટ હાઉસના સાઉથ લોનમાં નામાંકનનો સ્વીકાર કર્યો. ટ્રમ્પ પોતાની પત્ની મેલાનિયા ટ્રમ્પ સાથે મંચ સુધી આવ્યા હતા.
તેમની પુત્રી ઈવાંકા ટ્રમ્પે તેમનો પરિચય આપ્યો હતો. આ પ્રસંગે ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, હું આજે તમારા સમર્થનની સાથે અહીં છું, છેલ્લા ચાર શાનદાર વર્ષોમાં આપણે જે અસાધારણ પ્રગતિ કરી છે તેના પર ગર્વ છે અને આગામી ચાર વર્ષોમાં પણ આપણે અમેરિકાના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીશું. ઈવાંકાએ કોરોના મહામારી દરમિયાન પોતાના પિતા દ્વારા લેવામાં આવેલા પગલા અને આર્થિક નીતિઓની પ્રશંસા કરતા જણાવ્યું કે, ચાર વર્ષ અગાઉ, મેં તમને કહ્યુ હતું કે હું સંઘર્ષના સમયે મારા પિતા સાથે ઉભી રહીશ અને ચાર વર્ષ પછી હું અહીં છું. ઈવાંકાએ પોતાના પિતા ટ્રમ્પને સંબોધીને કહ્યું કે, તમારા પર કેટલાક લોકો અપરમ્પરાગત હોવાના કારણે નિશાન સાધે છે, પરંતુ તમે સાચા છો એટલે મને પણ તમારા પ્રત્યે ગર્વ છે તમે પ્રભાવશાળી છો જેથી હું તમારુ સન્માન કરું છું.