આજના આધુનિક યુગમાં જે રીતે માણસ આધુનિકતા તરફ આગળ વધી રહ્યો છે તે જ રીતે પર્યાવરણનું જતન કરવા ક્યાંક ભૂલી જાય છે. પરંતુ પૃથ્વી પર વૃક્ષોનું જનત કરવું ખૂબજ જરૂરી છે. પોરબંદરમાં સામાજીક વનીકરણ વિભાગ દેવભૂમિ દ્વારકા, ખંભાળીયા હેઠળ કાર્યરત નર્સરીમાં હજારોની સંખ્યામાં રોપાનો ઉછેર કરવામાં આવે છે. આ રોપાનો ઉછેર કર્યા બાદ વનમહોત્સવ દરમિયાન નિ:શુલ્ક લોકોને આપવામાં આવે છે અને પર્યાવરણનું મહત્વ તથા માર્ગદર્શન અપાય છે.ધરમપુર નજીક આવેલ સોનારડી નર્સરી (પ્રોટેકશન રેન્જ પોરબંદર) દ્વારા ૧.૮૦ હજાર રોપાનો ઉછેર કરાયો છે. આગામી દિવસોમાં લોકોને વનમહોત્સવ દરમિયાન નિ:શુલ્ક આપવામાં આવશે. વનવિભાગ દ્વારા દર વર્ષે વનમહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમ દ્વારા લોકોને પર્યાવરણનું જતન તેમજ તેનું મહત્વ શું છે તે વિશે માર્ગદર્શન આપાવમાં આવે છે. વનવિભાગ હેઠળ કાર્યરત નર્સરીઓમાં દર વર્ષે હજારોની સંખ્યામાં રોપાનો ઉછેર કરવામાં આવે છે અને લોકોને વનમહોત્સવ દરમિયાન નિ:શુલ્ક રોપા આપવામાં આવે છે. તેમજ સામાન્ય દિવસોમાં સરકારે નકકી કરેલ ટોકન ભાવે રોપા આપવામાં આવે છે. આજના આધુનિક યુગમાં ઉદ્યોગો, ફેકટરીઓ સતત વધી જઇ રહી છે અને વધતીજતી વસ્તીના કારણે માનવ વસવાટ પણ વધી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક વૃક્ષોનું છેદન કરવામાં આવતું હોવાના કારણે પર્યાવરણને ખૂબજ નુકશાન પહોંચી રહ્યું છે. દિલ્હી, અમદાવાદ જેવા શહેરોની હવા પણ પ્રદુષિત બની છે.
જેના કારણે નાગરીકોને ખૂબજ મુશ્કેલી અનુભવાય છે. માનવી એ ભુલી જાય છે કે વૃક્ષ, પાણી જે કુદરતી દેન છે તેને ઉલટ પુલટ કરવામાં જે પ્રકૃતિને નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે. અંતે તે પોતાને જ નુકશાન પહોંચી રહ્યો છે. તેથી દરેક નાગરીકે વૃક્ષોરોપણ કરી વૃક્ષનું જતન કરવું જોઇએ. આમ તો પોરબંદર જિલ્લામાં બરડો અને ઘેડ જેવા મોટો વિસ્તાર છે જ્યાં ખેડૂતો પોતાના ખેતરમાં ખેતીકામ કરે છે. બરડો અને ઘેડમાં મોટા પ્રમાણમાં વૃક્ષો જોવા મળે છે. દરેક નાગરીકે પોતાની ફરજ સમજી વૃક્ષારોપણ કરવું જોઇએ. ધરમપુર નજીક આવેલ સોનારડી નર્સરીમાં આ વર્ષે અંદાજીત ૯૦ તેમજ મૂળમાધવપુર ખાતે આવેલ નર્સરીમાં અંદાજીત ૯૦ હજાર રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે. બન્ને નર્સરીમાં મળીને કુલ ૧.૮૦ હજાર જેટલા વિવિધ પ્રકારના રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે. જેમાં તુલસી, બોટલબસ, ક્રોટન, ટગર, વસંત, લાલ કરેણ, જાસૂદ, ઉમરો, ગુગર, બદામ, જાંબુ, દાડમ, સિતાફળ, જામફળ, લીમડા, કરંજ, મીઠો લીમડો, નિલગીરી, અરડૂસી, આશોપાલવ, પોપયા, મોગરો, ગુલાબ, જેવા જાતજાતના રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે રેન્જ ફોરેસ્ટ ઓફિસર પ્રોટેકશન રેન્જના અધિકારી એ. બી. સરવૈયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ નર્સરીમાં દર વર્ષે લક્ષ્યાંક મુજબ રોપાનો ઉછેર કરવામાં આવે છે. જે નાગરીકોને આપવામાં આવશે. દરેક નાગરીકે પર્યાવરણનું જતન કરવું જોઇએ, વૃક્ષોનો ઉછેર કરવો જોઇએ, તેમજ ખાસ અપીલ કરી હતી કે વૃક્ષોનું છેદન ન કરવું જોઇએ.