શહેરમાં છેતરપિંડીની એક નવી જ મોડેસ ઓપરેન્ડી સામે આવી છે. જેમાં ઓનલાઈન ટ્રાન્જેક્શન માટે વેપારીઓએ જે ખાતા ખોલાવ્યા હોય તેમાં મળતી ક્રેડીટ લિમીટનો બારોબાર ઉપયોગ કરી ટ્રાન્ઝેક્શન કરીને છેતરપિંડી આચરવામાં આવે છે. બહેરામપુરામાં કરિયાણાનો વેપાર કરતા દુકાનદારે પેટીએમ પોસ્ટપેઈડ એપ્લિકેશનમાં મારફતે ક્રેડીટ ખાતું ખોલાવ્યું હતું. જેમાં વેપારીને રૂ.૬૦ હજારની ક્રેડીટ લિમીટ મળી હતી. બે મહિના આગાઉ તેમના પેટીએમ પોસ્ટપેઈડ એકાઉન્ટમાંથી રૂ.૫૮,૯૨૯ના ટ્રાન્જેક્શન થઇ ગયા હતા, પરંતુ એકપણ મેસેજ વેપારીનો આવ્યો નહતો. રૂપિયા ભરપાઈ કર્યા નહીં હોવાથી રિકવરી માટે કંપનીમાંથી ફોન આવતા વેપારીને છેતરપિંડી થઇ હોવાની જાણ થઈ હતી અને તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બહેરામપુરામાં રહેતા ૪૨ વર્ષીય રાજેશભાઈ મકવાણા કરિયાણોનો ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આજથી બે મહિના અગાઉ પેટીએમ પોસ્ટ પેઈડ એપ્લિકેશનમાં રજિસ્ટર કર્યું હતું અને પોતાની ક્રેડીટ લિમીટ ચેક કરી ત્યારે કંપનીએ વેપારીને રૂ.૬૦ હજાર ક્રેડિટ લિમીટ આપી હતી, પરંતુ વેપારીએ એકપણ રૂપિયાનો ઉપયોગ ક્યાંય પણ કર્યો નહોતો. છતાં તેમના ક્રેડીટ એકાઉન્ટમાંથી રૂ.૫૮,૯૨૯ના ચાર ટ્રાન્જેક્શન થઇ ચૂક્યા હતા. વેપારીને તે અંગેના એક પણ મેસેજ મળ્યા નહતા. એક મહિના સુધી રૂપિયા ભરપાઈ નહીં થવાને લીધે કંપની તરફથી વેપારીને વારંવાર પેમેન્ટ માટે કોલ આવતા વેપારીએ પેટીએમ એકાઉન્ટમાં પોતાની બેંકમાં ખાતું છે તેની સાથે લિંક હોવાથી બેન્કના સ્ટેટમેન્ટ પણ ચેક કર્યા, પરંતુ તેમાં કોઈ જ ટ્રાન્જેક્શન મળી આવ્યા નહોતા. અંતે વેપારીએ સાયબર ક્રાઈમમાં અરજી કરી હતી. જેના આધરે કાગડાપીઠ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.