જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ આર્ટિકલ 370ને લઈ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન દેશદ્રોહી બયાન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી અમારો ઝંડો અમને પરત નહીં મળે ત્યાં સુધી અમે બીજા ઝંડાને ઉઠાવીશું નહીં. મહેબુબા મુફ્તિના આ નિવેદનને દેશદ્રોહી તરીકે ગણવામાં આવી રહ્યુ છે.
શ્રીનગરમાં આયોજિત પત્રકાર પરિષદને સંબોધતા મહેબુબા મુફ્તીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ પ્રહાર કર્યા. મહેબૂબાએ કહ્યું કે આજે બિહારમાં વોટ બેંક માટે પીએમ મોદીને કલમ 370નો સહારો લેવો પડી રહ્યો છે. જ્યારે તે વસ્તુઓ પર નિષ્ફળ જાય છે તો તે કાશ્મીર અને 370 જેવા મુદ્દાઓને ઉઠાવે છે. વાસ્તવિક મુદ્દા પર વાત કરવા માંગતા નથી.
મહબૂબા મુફ્તીએ કહ્યું કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર અમારા હક (370)ને પરત કરતા નથી, ત્યાં સુધી મને કોઇપણ ચૂંટણી લડવામાં રસ નથી. ઉલ્લેખનીય છે કે મહબૂબા મુફ્તીને કલમ 370 દૂર કરતાં પહેલાં પોલીસે કસ્ટડીમાં લઇ લીધા હતા. મહબૂબા મુફ્તીને થોડા સમય પહેલા જ મુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે હવે મહબૂબા મુફ્તીએ 370ને પુન: લાગુ કરવાની માંગ સાથે મુહિમ શરુ કરી દીધી છે. આ મુહિમમાં જમ્મૂ કાશ્મીરના તમામ રાજકીય પક્ષ એકસાથે આવી ગયા છે. હાલ મહેબાબુ મુફ્તિના આ નિવેદનને લઈ ભારે ખળભળાટ મચ્યો છે. તેમણે પત્રકાર પરિષદમાં આપેલા આ પ્રકારના નિવેદનને દેશદ્રોહી માનવામાં આવી રહ્યું છે. સવાલ એ પણ છે કે જમ્મુ કાશ્મીર જ્યારે ભારતનો જ એક ભાગ ગણવામાં આવે છે તો પછી ભારતના રાષ્ટ્રધ્વજનું આ રીતે અપમાન કરવાની હિમ્મત કઈ રીતે કરી શકાય. શું આવા નિવેદનને ચલાવી લેવામાં આવે તો કાલે ઉઠીને કોઈપણ સામાન્ય નાગરીક પણ આ પ્રકારે રાષ્ટ્રધ્વજનું અપમાન કરતું નિવેદન આપી શકે છે.