મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાની સરકારી હોસ્પિટલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાના કારણે 10 નવજાત શિશુનાં મોત થયા હોવાની માહિતી સામે આવી છે. આગના કારણે હોસ્પિટલમાં દોડધામ મચી જવા પામી હતી. આગ લાગવાનું કારણ શોર્ટસર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઘટનાની જાણ થતા સ્થાનિક ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને જેમણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતું. આ ઘટના સંદર્ભે જિલ્લા હોસ્પિટલના સિવિલ સર્જન ડો.પ્રમોદ ખંડાટેએ એ જણાવ્યું હતું કે હોસ્પિટલના ન્યૂ બોર્ન કેર યુનિટ વોર્ડમાં 17 નવજાત બાળકોને રાખવામાં આવ્યા હતા.
મોડી રાત્રે આ વોર્ડમાં અચાનક આગ લાગી હતી. ધુમાડો નીકળતો જોઈ હોસ્પિટલ સ્ટાફના લોકો વોર્ડમાં દોડી ગયા હતા. પરંતુ ત્યાં સુધી 10 નવજાત બાળકોના મોત થઈ ચુક્યા હતા. જોકે સાત બાળકોને હેમખેમ બચાવી લેવામાં આવ્યા હતા.
આ બનાવની જાણ થતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઘટના સંદર્ભે દુખ વ્યક્ત કર્યુ હતુ અને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. બનાવના પગલે સમગ્ર હોસ્પિટલને પોલીસ દ્વારા બંધ કરાવી દેવામાં આવી છે. જ્યારે તપાસ બાદ દોષિત વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.