દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના આંકડા એ બતાવી રહ્યા છે ભારત કોરોના સામેની જંગ ધીમે ધીમે જીતવા તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી રોજ નોંધાતા કોરોનાના કેસોમાં ઘટાડો આ વાતની સાક્ષી પુરી રહ્યો છે. મંત્રાલયે સોશિયલ મીડિયા પર આપેલી વિગતો મુજબ વિતેલા પાંચ સપ્તાહમાં કોરોનાના દૈનિક સરેરાશ કેસમાં ઘટાડો નોંધાયો હોવાનું જોવા મળી રહ્યું છે.
9મી સપ્ટેમ્બરથી લઈને અત્યાર સુધીમાં આ ટ્રેન્ડ જોવા મળ્યો છે. જ્યારે સોમવારની સરખામણીમાં મંગળવારે કોરોનાના કેસોમાં મોટો તફાવત જોવા મળ્યો. દેશમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 55342 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના કેસની સંખ્યા 71,75,881 થઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 706 દર્દીઓના મોત થયા છે. આ સાથે દેશમાં કુલ મૃત્યુઆંક વધીને 1,09,856 થયો છે.
તો દેશમાં 24 કલાકમાં 77,760 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આમ અત્યાર સુધીમાં 62,27,296 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. હાલ દેશમાં 8,38,729 એક્ટિવ કેસ હોવાનું જાણવા મળ્યુ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં નવ ઓક્ટોબર સુધીમાં કોરોનાના 8,89,45,107 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.