ગુજરાતના નાણાં મંત્રી નીતિન પટેલે આજે ગુજરાત વિધાનસભામાં નાણાંકીય વર્ષ 2021-22નું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. આ વખતે બજેટનું કદ 2 લાખ 27 હજાર 029 કરોડ છે. જે ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ છે.
બજેટમાં શિક્ષણ ક્ષેત્ર માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ માટે કુલ 32,719 કરોડની જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવી છે. બાળકોના સર્વગ્રાહી વિકાસ સાથે ઉત્તમ શિક્ષણ પ્રદાન કરવા માટે 3400 શાળાઓમાં જરૂરી તમામ સુવિધાઓ વિકસાવવા પાંચ વર્ષ માટે 1207 કરોડનું આયોજન કરાયું છે.
આ ઉપરાંત 11 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને એસ.ટી. બસ ફ્રી પાસ કન્સેશન માટે 205 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.તો કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતાં અંદાજીત ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા 200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યની 2000 પ્રાથમિક શાળાઓ ખાતે વીજળીકરણ અને પીવાના પાણીની સુવિધા માટે 72 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.