જલિયાંવાલા બાગ હત્યાકાંડનાં છ વર્ષ પહેલાં ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા માનગઢના પહાડો પર 17 નવેમ્બર 1913ના રોજ આવો જ નરસંહાર થયો હતો, પણ તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.
આઝાદીના ઇતિહાસમાં હત્યાકાંડની વાત આવે તો ઈતિહાસ સાથે સાધારણ પરિચય ઘરાવનારની જીભ પર ‘જલિયાંવાલા બાગ હત્યાકાંડ’ નામ આવી જાય. પરંતુ આપણા ગુજરાતના સીમાડા પર ઈ.સ. 1913મા સર્જાયેલ ‘માનગઢ હત્યાકાંડ’ વિશે કેટલા ગુજરાતીઓ જાણતા હશે ? આઝાદી પહેલા દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવવા ગુરુગોવિંદની આગેવાનીમાં અનેક લોકોએ શહાદત વહોરી હતી. અંગ્રેજો સામે આઝાદીની લડત ચલાવતા ચલાવતા 1500થી પણ ઉપરાંત આદિવાસી લોકો દેશ માટે શહીદી વહોરી છે. જે આજે પણ માનગઢ ધામ ખાતે અનેક પ્રતિમાઓ બનાવી શહાદતને જીવંત રાખવામાં આવી છે. આ શહાદતમાં મુખ્ય ગુરુ કહેવાતા ગુરુગોવિંદ ભિલોનો ભેરૂ. એટલે જ તો ગોવિંદ ગુરૂ અને માનગઢ ધામથી આજે પણ ઓળખાય રહ્યા છે.
માનગઢ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાનું એક હિલ સ્ટેશન છે. પરંતુ હાલ ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લામાં આવેલું હિલ સ્ટેશન ગણાય છે અહીં મધ્યપ્રદેશ અને ગુજરાતની સીમાઓ પણ જોવા મળે છે. આ સમગ્ર વિસ્તારમાં આદિવાસીઓ વસે છે. મુખ્યત્વે મહારાણા પ્રતાપના લડવૈયાઓ એટલે કે ભીલ જાતિના લોકો અહીં રહે છે. સ્થાનિક સામંતો, રાજકુમારો અને અંગ્રેજોએ તેમની નિરક્ષરતા, સરળતા અને ગરીબીનો લાભ લઈને તેમનું શોષણ કર્યું. તેમનામાં ફેલાયેલી બુરાઈઓ અને અંધ પરંપરાઓને નાબૂદ કરવા માટે, ગોવિંદ ગુરુના નેતૃત્વમાં એક મોટી સામાજિક અને આધ્યાત્મિક ચળવળનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને ‘ભગત આંદોલન’ કહેવામાં આવે છે અહીંની આદિવાસી પ્રજામાં ગોવિંદ ગુરુ નામે એક નેતા થઇ ગયા. ગુરુ ગોવિંદ – ગુજરાત અને દેશવાસીઓના દુર્ભાગ્યે એટલું જાણીતું નામ નથી. તેમનો જન્મ 1858માં ડુંગરપુર ખાતે થયો હતો. જે તે સમય દરમ્યાન દુષ્કાળમાં મૃત્યુ પામેલા ભીલોની દુર્દશા જોઇ તેમના પ્રત્યે સહાનુભૂતિ દાખવી તેમણે સમાજસેવા કરવાનું નકકી કરી ધાર્મિક ઉપદેશ આપવાની શરૂઆત કરી. તેમણે 1903માં ‘સંપ સભા’ નામે એક સંગઠન ઉભુ કર્યું હતું. આ સંગઠનનો ઉદ્દેશ અહીંની પ્રજાને એકતા, વ્યસન નાબૂદી, શિક્ષણ, સદાચાર, ગુનાથી દૂર રહેવું વગેરે માટે જાગૃત કરવાનો હતો. ‘સંપ સભા’ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર અને સ્વતંત્રતા પ્રાપ્તિ માટે પણ કાર્ય કરતી હતી. આ બાબત અંગ્રેજ સત્તાના ધ્યાનમાં આવી. સંપ સભાની પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર માનગઢની ટેકરી હતું.
1912-13માં આદિવાસી સંત ગોવિંદગુરૂના નેતૃત્વમાં માનગઢના ડુંગર ઉપર આદિવાસીઓએ અંગ્રેજો સામે જંગ છેડેલો દરમ્યાન 17 નવેમ્બર 1913ના રોજ આ સંપ સભાના ભક્તો એકઠા મળ્યા હતા ત્યારે અંગ્રેજ કર્નલ શટને માનગઢ પહાડીઓને ઘેરી લઇ, તોપો અને મશીનગનથી હુમલો કરી સંખ્યાબંધ આદિવાસી ભક્તોને મારી નાખ્યા. આ દિવસે ગરુ ગોવિંદ સિંહ આદિવાસી અનુયાયીઓની ધર્મસભા ભરી તેમને ધાર્મિકતાનો ઉપદેશ આપી રહ્યા હતા ત્યારે અંગ્રેજોના પોલિટિકલ એજન્ટે દેશી રજવાડાંઓનો સાથ લઈ માનગઢ ડુંગરને ચારે તરફથી ઘેરો ઘાલ્યો અને અંધાધૂંધ ગોળીબાર તથા તોપમારો કરી 1507 જેટલા અબુધ આદિવાસીઓને ચિર નિદ્રામાં પોઢાડી દીધા 1507 નો આંકડો તો અંગ્રેજોએ નોંધેલો છે પણ એનાથી પણ વધુ આદિવાસીઓની હત્યા કરી શહીદ કર્યા હતા.
લગભગ 108 વર્ષ પૂર્વે અહીં સર્જાયેલી આ આઝાદીના આંદોલનના રક્તરંજિત પ્રકરણ સમાન ‘માનગઢ માનવ હત્યાકાંડ’ની કરુણગાથા પાષણ હૃદયના માનવીને પણ કંપાવી દે તેવી હતી ગોવિંદ ગુરુ જીવતા પકડાયા. તેમને અંગ્રેજોએ વર્ષો સુધી જેલમાં પૂરી રાખ્યા. માનગઢ ઉપર આવેલ હોલમાં જ ગોવિંદ ગુરુની સમાધિ છે. સૌ પ્રથમ ‘અમર જ્યોતિ સ્તંભ’ . હોલની દિવાલો પર આરસની તકતીઓ લગાડેલી છે અને એમાં ગોવિંદ ગુરુના જન્મથી માંડીને ‘સંપ સભા’ની પ્રવૃતિઓ તથા અંગ્રેજોએ કરેલ સંહારની કથા વિગતે લખેલી છે. એ વાંચીને એમ થાય કે આપણા દેશભક્તો પર એક વિદેશી પ્રજાએ કેવી ક્રૂરતા આચરી હતી ! આ હોલમાં એક બાજુ ગોવિંદ ગુરુની સમાધિ પર ભક્તો ધૂપ સળગાવે છે, ફૂલો ચડાવે છે અને ભજન કીર્તન કરે છે. આજુબાજુનાં ગામડાંમાંથી કેટલા યે ભક્ત લોકો અહીં સમાધિનાં દર્શને આવે છે. અમે પણ અહીં બે મિનિટ ભાવપૂર્વક ઉભા રહીને એક દેશભક્ત વીર પૂરુષને મનોમન વંદન કર્યાં. હોલની બહાર ગોવિંદ ગુરુનું સ્ટેચ્યુ મૂકેલું છે. ગોધરા યુનિવર્સિટીને આ વીર શહીદ સંતનું નામ અપાય તે કોઈ પણ ઇતિહાસપ્રેમીને માટે ખુશ થવા જેવી વાત ગણાય.
દર વરસે 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતના આદિવાસીઓ આ દિવસને દિવાળીની જેમ ઉજવે છે. આ દિવસે દરેક જિલ્લામાંથી અંદાજે 5 લાખથી વધુ આદિવાસીઓ સંતરામપુર પાસે આવેલ ઐતિહાસિક માનગઢ પહાડી ખાતે ભેગા થાય છે. માનગઢની ટેકરી પર ગુરુ ગોવિંદગરની યાદમાં ભીલોએ મંદિર બનાવ્યું છે. જ્યાં દર વર્ષે કારતક સુદ પુનમે મેળો ભરાય છે ત્યારે અહિના પ્રકૃતિપૂજકો શહીદોની શહાદતને વાગોળે છે. ગુરુ ગોવિંદગરની ભગત ચળવળની વિસરાય ગયેલી વસમી યાદો પ્રકૃતિપૂજકોની દંતકથાઓમાં, તેમના ધાર્મિક સાહિત્યોમાં અને માનગઢની વેરાન ટેકરીઓમાં સચવાઈ છે.