દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અને લેખક તરીકે જાણીતા અટલ બિહારી વાજપેયીની આજે બીજી પુણ્યતિથી છે જેના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમજ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ દિલ્હી સ્થિત વાજપેયીજીના સમાધિ સ્મારક “સદૈવ અટલ” ખાતે જઈને નમન કરીને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
અટલ બિહારી વાજપેયીનું 16 ઓગસ્ટ 2018માં, દિલ્હીની એઈમ્સમાં લાંબી બીમારી બાદ 93 વર્ષની વયે અવસાન થયું હતું. ત્યારે તેમની બીજી પુણ્યતિથિ પર વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ કોવિંદ સહિત દિગ્ગજ નેતાઓએ તેમજ વાજપેયીના પુત્રીએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
આ પહેલા પોતાના ટ્વિટર પર વડાપ્રધાન મોદીએ ટ્વિટ મારફતે પણ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વડાપ્રધાને એક ટ્વિટમાં લખ્યું કે દેશની પ્રગતિ માટે અટલ બિહારી વાજપેયીનું અમૂલ્ય યોગદાન હંમેશા યાદ રહેશે.
(File Pic)
ઉલ્લેખનીય છે કે, અટલ બિહારી વાજપેયીને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. વાજપેયીએ ત્રણ વખત ભારતના વડાપ્રધાનનું પદ સંભાળ્યું હતું. સૌથી પહેલા 1996માં 13 દિવસ માટે તેઓ દેશના પીએમ તરીકે રહ્યાં હતા અને ત્યારબાદ 1998માં તેમણે કેન્દ્રમાં 13 મહીના સરકાર ચલાવ્યા બાદ વર્ષ 1999માં તેઓ ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા હતા.