સરળ સ્વભાવ, હસતુ મુખ અને દ્રઢ ઈચ્છાશક્તિ ધરાવનાર સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીની 76મી જન્મજયંતિ પ્રસંગે તેમને કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતાઓ સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 76મી જન્મજયંતિ પ્રસંગે દેશવાસીઓએ પણ તેમને યાદ કર્યા હતા.
દેશભરમાં હાલ કોરોના મહામારીનો કહેર હોવાથી આ વખતે રાજીવ ગાંધીની જન્મજયંતિ પ્રસંગે કોંગ્રેસ પાર્ટીએ કોઈ મોટા કાર્યક્રમ કરવાનું ટાળ્યુ છે. જોકે દેશના વિવિધ ભાગોમાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.
(File Pic)
20 ઓગસ્ટ 1944ના રોજ જન્મેલા રાજીવ ગાંધી 1984 થી 1989 દરમિયાન દેશનાં વડાપ્રધાન રહ્યા હતા. તેઓ માત્ર 40 વર્ષની વયે વડા પ્રધાન બન્યા અને આ પદ પર પહોંચનારા દેશનાં સૌથી યુવા વડા પ્રધાન બન્યા હતા.
વર્ષ 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવ્યા બાદ રાજીવ ગાંધી પોતાના ભાઈ સંજય ગાંધીની લોકસભા સીટ પરથી સાંસદ બન્યા અને ત્યારબાદ તેઓ વડાપ્રધાન બન્યા હતા. તેમણે 1984થી 1989 સુધી દેશના વડાપ્રધાન તરીકે કાર્યરત રહ્યા હતા.
આ દરમિયાન તેમણે પંચાયત રાજને મજબૂત કરવા, દૂર સંચાર સેવા, કોમ્પ્યુટરમાં ક્રાંતિ અને યુવાઓને 18 વર્ષે મત આપવાના અધિકાર જેવા મહત્વના કામો કર્યા. રાજીવ ગાંધીએ ભારતમાં ઈન્ફોરમેશન ટેકનોલોજીને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. તેમણે ટેકનોલોજી માટે કરેલા કાર્યોને આજે પણ દેશ યાદ કરી રહ્યો છે. મહત્વનું છે કે, વર્ષ 1991માં ચૂંટણી પ્રચાર દરમિયાન શ્રીપેરંબદુરમાં આત્મઘાતી હુમલામાં રાજીવ ગાંધીનું અવસાન થયુ હતું.