કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની આગેવાની કરી રહેલ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પોતાની મુહિમ અંગે મોટી જાહેરાત કરી છે. ભારતીય ખેડૂત યુનિયનના રાકેશ ટિકૈત ઘણા લાંબા સમયથી ચર્ચાઓમાં છે. ત્યારે હવે તેમણે જાહેરાત કરી છે કે કૃષિ કાયદાના વિરૂદ્ધની લડાઈને મજબૂત કરવા તેઓ ગુજરાતની મુલાકાત પણ લેશે.
ટિકૈતે કહ્યું કે તેઓ કેન્દ્રના વિવાદિત કાયદા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલન માટે સમર્થન મેળવવા જલદી ગુજરાતનો પ્રવાસ કરશે. મહત્વનું છે કે, હાલમાં જ ગુજરાતના ગાંધીધામથી આવેલા એક સમૂહે ટિકૈતને ચરખો ભેંટ કર્યો હતો. તેમણે આ દરમિયાન કહ્યું હતું કે ગાંધીજીએ બ્રિટિશને ભારતથી ભગાડવા માટે ચરખાનો ઉપયોગ કર્યો હતો. અને હવે અમે આ ચરખાનો ઉપયોગ કરીને કોર્પોરેટને ભગાડીશું.
મહત્વનું છે કે હાલ રાકેશ ટિકૈત ગાઝીપુર બોર્ડર પર નવેમ્બરથી ડેરો જમાવીને બેઠા છે. આ બધા વચ્ચે હરિયાણાના રોહતક જિલ્લાની 20થી વધુ મહિલાઓ ગાઝીપુરમાં આંદોલનમાં સામેલ થઈ અને આંદોલનને પોતાનું સમર્થન આપવા માટે આશ્વાસન આપ્યું હતું.