ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદે વિરામ લીધા બાદ મંગળવારે ઘણા જિલ્લામાં વરસાદની એન્ટ્રી થઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા થન્ડર સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ, ગુજરાતમાં ભારે પવન અને વીજળી સાથે વરસાદ આવી શકે છે. જેમાં પવનની ગતિ 40 km પ્રતિ કલાકની રહી શકે છે.
અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, અને દેવભૂમિ દ્વારકામાં આગામી 3 કલાકમાં અસર થઈ શકે છે. મંગળવારે રાજ્યના વિવિધ શહેરોના તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાયુ હતું, જ્યારે ગાંધીનગરમાં 36, વડોદરામાં 33 ડિગ્રી અને સુરતમાં 32 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 48 કલાકમાં કેટલાક વિસ્તારોમાં ભારે અને સામાન્ય વરસાદની પણ આગાહી છે. આ દરમિયાન મંગળવાર વહેલી સવારથી રાજ્યના અમૂક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતું. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના 29 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
જેમાં સૌથી વધુ તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગના આહવામાં પણ બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ વલસાડ, દીવ-દાદરા નગર હવેલી અને નવસારીમાં લગાતાર બે દિવસ ભારે વરસાદ પડી શકે છે. તે સિવાય આણંદ, પંચમહાલ, રાજકોટમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ, રાજકોટ, ગીર સોમનાથ જિલ્લા અને સાબરકાંઠા સહિત આણંદમાં પણ વરસાદ વરસી રહ્યો છે.