અબુધાબીમાં બનાવવામાં આવનાર પ્રથમ હિન્દુ મંદિરની અંતિમ ડિઝાઇનની તસવીરો જાહેર કરવામાં આવી છે. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આ મંદિર તૈયાર કરવામાં આવી રહ્યુ છે. ગલ્ફ દેશમાં બીએપીએસ સંસ્થા દ્વારા ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. જે અંગેની અંતિમ ડિઝાઇનની તસવીરો જાહેર કરવામાં આવી છે.
બીએપીએસ હિન્દુ મંદિર પ્રબંધને મંદિરની અંતિમ ડિઝાઇન અને ભારતમાં હાથથી તૈયાર કરવામાં આવેલા સ્તંભોની તસવીરો જારી કરી છે. આ ભવ્ય મંદિર નિર્માણમાં હિંદુ ગ્રંથનાં મહાકાવ્યો, ધર્મગ્રંથો, પ્રાચીન કથાઓ અને ખાડી દેશોમાં લોકપ્રિય રૂપાંકનોનાં દૃશ્યો મંદિરના અગ્રભાગને સુશોભિત કરાશે. આ અંગે અબુધાબી સ્થિત ભારતીય દૂતાવાસના ઓફશિયલ ટ્વિટર હેંડલ પરથી ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે. મંદિરની અંતિમ ડિઝાઇનની તસવીરો વીડિયોની મદદથી જારી કરવામાં આવી હતી જેમાં મંદિર નિર્માણમાં અત્યાર સુધી થયેલા કામોને પણ દર્શાવવામાં આવ્યું હતું. ગત વર્ષે એપ્રિલમાં મંદિરની આધારશિલા રાખવામાં આવી હતી અને ડિસેમ્બરમાં કામ શરૂ કરવામાં આવ્યું હતું.